________________
ભક્તામર સ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા - 165 અતિશય હતો કે એ સ્તોત્રના એક એક શ્લોક રચનાની સાથે સાથે એક સાંકળ અને એક એક તાળું તૂટતું ગયું. એ રીતે સ્તોત્રના ૪૪ શ્લોકની રચના પૂરી થતાં ૪૪ સાંકળો અને ૪૪ તાળાંઓનાં બંધનો તૂટી ગયાં અને ઓરડીનાં દ્વાર આપોઆપ ખૂલી ગયાં.
જ્યાં ૪૨ તાળાનાં બંધનનો ઉલ્લેખ છે ત્યાં ૪૨ શ્લોકોની રચના થતાં ૪૨ તાળાં તૂટી ગયાં અને જે કથામાં ૪૮ તાળાંનો ઉલ્લેખ છે ત્યાં ૪૮ શ્લોક સ્તોત્રોની રચના થતાં ૪૮ તાળાં, ૪૮ ઓરડી કે સાંકળો બધાં જ બંધનો તૂટી ગયાનો ઉલ્લેખ જોવા મળે છે.
શ્રી માનતુંગસૂરિ સર્વ બંધનોથી રહિત થતાં રાજાના સૈનિકો સાથે પ્રસન્ન વદને રાજસભામાં આવ્યા. તેમને બંધનમુક્ત જોઈને રાજા વિસ્મય પામ્યો. તેણે સૂરિજીને સિંહાસન પર બેસાડ્યા અને જૈન ધર્મની ભારે પ્રશંસા કરી. પછી રાજાના આગ્રહથી તેમણે બંધનાવસ્થામાં રચેલ એ સ્તોત્ર સર્વ સભાજનોને સંભળાવ્યું. રાજા અને સભાજનો તેઓની આ અદ્ભુત રચનાથી અત્યધિક પ્રભાવિત થયાં અને તે જ સમયથી તે જૈન ધર્મ અને જૈન સાધુઓનો ભક્ત થયા પછી રાજાએ મહામહોત્સવ સહિત શ્રી માનતુંગસૂરિજીને તેમના સ્થાને મોકલ્યા. સ્તોત્રના સર્જનસમયથી જ ‘ભક્તામર સ્તોત્રનો મહિમા જગતમાં દરેકે દરેક જૈન સંપ્રદાય અને જેનેતરોમાં વ્યાપેલો જોવા મળે છે.
વીરવંશાવલી અર્થાત્ તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલીમાં મૂળ પ્રાચીન ગુજરાતી ભાષામાં “ભક્તામર સ્તોત્ર'ની ઉત્પત્તિ વિશેનો ઉલ્લેખ જુદી જાતનો મળી આવે છે, જે આ પ્રમાણે છે :
માલવ દેશના ઉજ્જન નામના નગરમાં વૃદ્ધ ભોજદેવ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની સભામાં મયૂર અને બાણ નામના બે મહાન બ્રાહ્મણ પંડિતો હતા. એક વખત રાજસભામાં તે બંને જણા વાદવિવાદ કરતા અહંકાર કરવા લાગ્યા. એક કહે કે હું વિદ્વાન છું અને બીજો કહે કે હું વધારે વિદ્વાન છું. આ પ્રમાણે બંને જણને એકબીજા પ્રત્યે અદેખાઈ કરતા જોઈને રાજા ભોજે કહ્યું કે, હે વિદ્વાનો ! તમે બંને જણા કાશ્મીર દેશમાં જાઓ ત્યાં રહેતી શારદાદેવી જેને વિદ્યાવંત કહે તે મોટો પંડિત.
આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી બંને જણા કાશ્મીર તરફ ગયા, અનુક્રમે ઘણો માર્ગ ઓળંગીને શારદાના મંદિરે પહોંચ્યા. ભોજન કરીને બંને જણા સાંજના વખતે સૂતાં હતાં. તે વખતે સરસ્વતીએ પરીક્ષા કરવા માટે અર્ધજાગતાં એવા મયૂરને સમસ્યા પૂછી કે
શતચન્દ્ર નમસ્તલમ્' તે સાંભળી મયૂરે કહ્યું કે -
दामोदरकराघात . विहवलीकृतचेतसा ।
दृष्टं चाणूरमल्लेन, शतचन्द्रं नमभस्तलम् ।।१।। શ્રીકૃષ્ણના કરાઘાતથી આકુળવ્યાકુળ થયેલ ચાણૂરમલ્લે આકાશતલમાં સેંકડો ચંદ્રો જોયાં આ પ્રમાણે સમસ્યા પૂર્ણ કરી.