________________
શ્રી ભક્તામર સ્તોત્ર 225 જરાપણ વિકાર પામતું નથી. જેમકે પ્રલયકાળનો ભયંકર પવન ફૂંકાવા છતાં મેરુપર્વતનું શિખર કદી ચલાયમાન થતું નથી તેમ ગમે તેવા પ્રલોભનકારી, રાગાદિકવાળા પ્રસંગો આવ્યા છતાં તે પ્રભુ ! આપનું મન જરાયે વિચલિત થતું નથી. અર્થાતુ આપ મેરુપર્વત જેવા ધીર, અવિચળ અને પ્રલોભનકારી પ્રસંગોરૂપી ઉપસર્ગો સહન કરવામાં મહાવીર છો.'
પ્રભુના કલ્યાણક વખતે દેવ-દેવી-દેવાંગનાઓ હર્ષોલ્લાસ વ્યક્ત કરવા માટે આવે છે ત્યારે તેઓ પ્રભુના ત્યાગની કસોટી કરવા માટે, તેમણે ત્યાગવા ધારેલી વિવિધ ભોગસામગ્રીઓ અતિ સ્વરૂપવાન, સુંદર, મનમોહિની, દેવાંગનાઓ પ્રભુ સમક્ષ હાજર કરે છે. આ બધું જોતાં ઉચ્ચ સાધકો પણ એ સુખ માણવા માટે લલચાય છે. એવા સમયે આવી આકર્ષક સામગ્રી કે જેને તેમણે ક્ષણિક સુખ આપનારી ગણીને ત્યાગી દીધી છે, તેના પ્રત્યે પ્રભુ ક્ષણ માત્ર માટે પણ જરા પણ લલચાતા નથી. મનમાં વિકારભાવના કે વિચલન પ્રગટ થતું નથી. તેઓ જે શાશ્વત, મોક્ષરૂપી શિવરમણીની શોધમાં છે તેની સામે આ સર્વ પ્રલોભનો તુચ્છ લાગે છે. અને તેઓ આત્મસંયમમાં વધુ દૃઢનિશ્ચયી બને છે. અહીં સ્તોત્રકાર સૂરિજીના મનમાં એવો ભાવ છે કે હરિહરાદિ અન્ય દેવોની વાત જાણી છે અને તેઓ દેવાંગનાઓની અંગભંગિમાંથી કેવી રીતે ચલિત થઈ ગયા તે પણ જાણ્યું છે. એ વસ્તુનો જ્યારે વિચાર આવે છે ત્યારે પ્રભુની ખરી મહત્તા સમજાય છે અને પ્રભુના અવિચળપણા સામે નતમસ્તક થઈ માથું આપોઆપ તેમનાં ચરણોમાં નમી જાય છે. પ્રભુના આ અવિચલિતપણાને સૂરિજીએ મેરુપર્વતની સાથે સરખાવ્યાં છે.
આ મેરુપર્વત કેવો છે ? મેરપર્વત કે જ્યાં દરેક જિનેશ્વરદેવોનાં (ભગવંતોનાં) જન્મકલ્યાણકોની ઉજવણી થાય છે. મેરુપર્વત અનાદિકાળથી જે સ્થાને હતો ત્યાં આજે પણ છે અને અનાદિકાળ પછી પણ તે જ સ્થાને સ્થિર રહેશે. આથી તે શાશ્વતો છે. અર્થાત્ ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, થતો નથી કે થવાનો પણ નથી. દરેક કાળચક્ર પ્રમાણે સૃષ્ટિની દરેક સજીવ-નિર્જીવ વસ્તુમાં પરિસ્થિતિ અનુસાર પરિવર્તનની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે, અનેક ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાળનાં અનંત ચક્રો ભૂતકાળમાં ચાલ્યાં ગયાં અને ભવિષ્યમાં ચાલ્યાં જશે. દરેક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યા જ કરશે. પરંતુ એકમાત્ર મેરુપર્વત જ એવો અવિચળ છે કે જેમાં કોઈ પણ પ્રકારના ફેરફારને સ્થાન નથી.
પ્રલયકાળનો ભયંકર પવન ફૂંકાય છે ત્યારે સમગ્ર સૃષ્ટિમાં પરિવર્તન આવે છે. મોટા મોટા પર્વતો જમીનદોસ્ત થઈ જાય છે. આખી સૃષ્ટિની રચનામાં ફેરફાર થઈ જાય છે. અર્થાતું જ્યાં પર્વત છે ત્યાં સમુદ્ર અને સમુદ્ર છે ત્યાં પર્વત થઈ જાય એવો મહાપ્રલય, મહાભયંકર ઝંઝાવાતી પવન હોય છે. આવા પ્રલયકાળનો ભયંકર પવન ફૂંકાવા છતાં મેરુપર્વતનું શૃંગ-
શિખર કદી ડોલતું કે વિચલિત થતું નથી. અર્થાત્ સૃષ્ટિમાં સર્જન પામેલા દરેકનો વિનાશ થાય છે, એ કુદરતનો ક્રમ છે. પરંતુ મેરુપર્વત એક માત્ર એવો છે કે જેનો કદાપિ નાશ થતો નથી. આ મેરુપર્વતનું અવિચલિતપણું અનન્ય છે. તેથી જ પ્રભુના અવિચલિતપણાને મેરુપર્વત સાથે સૂરિજીએ સરખાવેલું છે. દેવદેવાંગનાઓના વિવિધ પ્રકારના અંગહારો વડેના નૃત્યને કે અન્ય ભોગસામગ્રી હરિહરાદિ