________________
200।। ભક્તામર તુર્થ્ય નમઃ II
જ હોય, કારણ કે કોઈ પણ પ્રકારની અસુંદરતા પ્રભુ પાસે ટકી શકતી નથી. તેથી રચના સુંદર જ બનવાની છે. સુંદર કૃતિઓ મનને વશ કરે તેવી હોય છે એટલે કે ચિત્તાકર્ષક હોય છે. તેથી જ સૂરિજીને વિશ્વાસ છે કે તેમની સામાન્ય સ્તોત્રરચના પણ પ્રભુના પ્રભાવના કારણે વિદ્વાનો, મનીષીઓ અને સત્પુરુષોના મનને આકર્ષશે જ. અર્થાત્ દરેક સત્પુરુષો, ગુણીજનો આ સ્તોત્રનો ભાવપૂર્વક, સહૃદયતાપૂર્વક સ્વીકાર કરશે જ. અને સર્વના આકર્ષણનું કારણ બનશે.
સ્તોત્રકાર સૂરિજી આગળ કહે છે કે, ‘પાણીનું એક સામાન્ય ટીપું કમલિનીના પત્ર પર પડે છે તો સાચા મોતી જેવી શોભા ધારણ કરે છે તેમ હે નાથ ! મારી સામાન્ય સ્તોત્ર રચના પણ તમારા પ્રભાવથી સત્પુરુષોના ચિત્તનું હરણ કરશે, એટલે કે તેમને ચમત્કાર પમાડશે.'
અર્થાત્ સૂરિજી પ્રભુના પ્રભાવને કમલિનીના પત્ર અને પાણીના ટીપાના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે કમળ કાદવમાં ખીલે છે પણ કાદવમાં રહીને પણ કાદવથી અલિપ્ત રહે છે. અર્થાત્ કમળમાં એવો ગુણ છે કે તે કાદવમાં તો ખીલે છે પણ કાદવનો તેને સ્પર્શ સુધ્ધાં થતો નથી. પાણીનું એક ટીપું સામાન્ય જમીન પર પડે તો તેની કોઈ કિંમત નથી. જ્યારે શતદલ કમળ પર શુદ્ધ પાણીનું ટીપું પડે છે અને તેના ૫૨ સૂર્યકિરણ પડતાં મોતીની જેમ શોભી ઊઠે છે. ઝગમગી ઊઠે છે, એટલે કે કમળ પર પડેલું પાણીનું એક ટીપું કમળની પવિત્રતા અને શુદ્ધતાને કારણે મોતી જેવી શોભા પામે છે. અહીં સૂરિજી એવું સૂચવે છે કે કમળને કાદવનો સ્પર્શ થતો નથી તેમ પ્રભુને સંસારરૂપી કાદવનો અર્થાત્ પાપનો સ્પર્શ પણ થતો નથી. પ્રભુ કમળની જેમ શુદ્ધ છે. જો કોઈ મંદબુદ્ધિવાળો ભક્ત ભક્તિભાવપૂર્વક આવા પ્રભુની સ્તુતિ-સ્તવના કરવા તત્પર થાય તો તે સ્તુતિ-સ્તવના પ્રભુના ગુણોના ઉત્તમ પ્રભાવથી સર્વજનો, સત્પુરુષોને માટે આકર્ષણનું કેન્દ્ર થઈ પડશે તેમના ચિત્તનું હરણ કરનાર બનશે. એટલે કે સત્પુરુષોને ચમત્કાર પમાડશે. આવો અનન્ય વિશ્વાસ સૂરિજીને પોતાના આલંબનરૂપ (પ્રભુ) માટે છે.
શરૂઆતમાં અહીં ‘નાથ’ શબ્દ મૂકીને ભક્ત પોતાનું સર્વસ્વ સમર્પિત કરે છે. અત્યાર સુધી તારા વગર હું અનાથ હતો. તને નાથ કહેતાં જ મારી અનાથતા સમાપ્ત થઈ ગઈ. નાથ જ નાથ બનાવે છે અને અનાથતા મિટાવે છે. અર્થાત્ અહીં નાથત્વ પ્રગટ થઈ ગયું. આમ ‘નાથ’ શબ્દ એ સર્વશ્રેષ્ઠ સંબોધન છે.
સાધ્વીશ્રી દિવ્યપ્રભાજી જણાવે છે કે, “સૂરિજી સ્તોત્રના પ્રારંભના ત્રીજા શ્લોકમાં જે યુદ્ધયાવિનાપિ - બુદ્ધિરહિત અને હવે તે તનુધિયાપિ મંદબુદ્ધિવાળા હોવા છતાં અર્થાત્ પ્રારંભની પૂર્વભૂમિકામાં જે બુદ્ધિરહિત હતા તે મંદબુદ્ધિવાળા થઈ ગયા.''
તેવી જ રીતે બીજા શ્લોકની અંતિમ પંક્તિમાં 'અહં' - શબ્દ હતો. અહં - એટલે હું. હું કરીશ એમ કહેનાર સૂરિજીએ હવે 'માઁ' શબ્દનો પ્રયોગ કર્યો છે. 'મા' એટલે મારા દ્વારા, મારાથી થઈ રહ્યું છે. ‘હું' જ્યારે મારા'માં રૂપાંતરિત થઈ જાય ત્યારે અહમ્ સમાપ્ત થઈ જાય છે. આ સર્વ સમર્પણનું અંતિમ ચરણ છે.