________________
368 છે || ભક્તામર તુલ્ય નમઃ | વિવલિત ચાર પદ્યોના ન રહેવાથી સ્તોત્રમાં આઠ પ્રતિહાર્યોમાંથી માત્ર ચારનો જ ઉલ્લેખ રહી જશે. જિનેન્દ્રના ઉત્કૃષ્ટ અષ્ટ પ્રતિહાર્યો સુપ્રસિદ્ધ અને ઉભય સંપ્રદાય માન્ય છે. તથા ભક્તામર સ્તોત્રની જેમ જ ઉભય સંપ્રદાયમાં માન્ય કલ્યાણમંદિર સ્તોત્રમાં પણ આઠેય પ્રતિહાર્યોનું વર્ણન છે. કોઈ કારણ સમજમાં નથી આવતું કે સ્તોત્રકાર ચાર જ પ્રતિહાર્યોનું વર્ણન કરીને શું કામ રોકાઈ જાય છે ? તેઓ આગળ જણાવે છે કે, “અસ્તુ આ વિષયમાં કોઈ સંદેહ નથી કે ભક્તામર સ્તોત્ર જેનોના બધા સંપ્રદાયોમાં અત્યંત લોકપ્રિય સ્તોત્ર છે. આના પ્રચારની પ્રાચીનતા જો શ્વેતામ્બર પરંપરામાં ૧૩મી–૧૪મી સદી સુધી પહોંચે છે તો દિગમ્બર સમાજમાં તેનાથી ઓછી નહીં. જો શ્વેતામ્બર પરંપરામાં આના પર અનેક કૃતિઓ રચાઈ હતી તો દિગમ્બર લેખકોની પણ એક ડઝનથી વધારે કૃતિઓનો અમે ઉપર ઉલ્લેખ કરી ગયા છીએ. બીજી પણ હોઈ શકે છે. મળી આવતી પ્રતોની પ્રાચીનતા ક્યાંય પણ છસો-સાતસો વર્ષથી વધારે નથી. માત્ર તાડપત્ર પર હોવાથી તો કોઈ પ્રાચીન નથી હોતી. એટલે કે એ કહેવું અત્યંત કઠિન છે કે સ્તોત્રના મુખ્ય રૂપમાં ૪૮ પદ્ય હતાં કે ૪૪. પરંતુ ૪૮ પદ્યોથી જ તેને પૂર્ણતા પ્રાપ્ત થાય છે. અન્યથા અપૂર્ણ રહે છે. તે ચારે પદ્યોમાં કોઈ એવી વાત પણ નથી કે કોઈની પણ સાંપ્રદાયિકતાને ઠેસ લાગતી હોય. એવી સ્થિતિમાં શું અંતર પડે છે કે કોઈ સંપ્રદાયમાં તેની માન્યતાની અપેક્ષિત પ્રાચીનતા સો–પચાસ વર્ષ ઓછાં કે વધારે હોય. અમારી સમજમાં તો ભક્તપ્રવર માનતુંગાચાર્યનું આ અપ્રિતમ સ્તોત્ર જન માત્રને ભાવનાત્મક એક સૂત્રતામાં બાંધવાવાળી એક સુંદર ઉત્તમ કડી છે. એવી જેટલી ચીજો જે બધાને સમાન રૂપથી સ્વીકાર્ય હોય, જેટલી જાગ્રત કરી શકાય અને પ્રચારમાં લાવી શકાય. જિનશાસન માટે શ્રેયસ્કર હશે. આવી સર્વસ્વીકાર્ય ચીજોના વિષયમાં સાંપ્રદાયિક દૃષ્ટિથી સમજવું. વિચારવું પણ કદાચ ઠીક નહીં હોય.”૧૯
શ્રી જ્યોતિ પ્રસાદ જેને કરેલી ટિપ્પણીના સંદર્ભમાં કહી શકાય કે રત્નસિંહ અને ધર્મસિંહ નામધાર મુનિઓ તો દિગમ્બર પરંપરામાં થયા હોય એવા પુરાવા મળતા નથી. શ્વેતામ્બરોમાં એવા નામધારી મુનિઓ માનવામાં આવે તો પણ તેઓ ક્યારે થયા એનો અંદાજ મળવો એકદમ સરળ નથી. ઈ. સ. ૧૧મી સદીમાં થયેલા રામસિંહ કે જેમણે અપભ્રંશ ભાષામાં દોહા રચ્યા હતા. તેમના અન્વયમાં આ મુનિ થયા હશે. એવી કલ્પના માત્ર છે. તેના પુરાવાઓ મળતા નથી. પ્રાણપ્રિય કાવ્યની શૈલી મધ્યકાલીન જણાતી જ નથી. પ્રાચીન કાવ્યો પર પાદપૂર્તિરૂપ કાવ્યોની રચના કરવાવાળા શ્વેતામ્બર આચાર્યોએ પણ ભક્તામર પર એવાં કાવ્યો ઈ. સ. ૧૬મી સદીના ઉત્તરાર્ધ પછી જ રચ્યાં જો પ્રાણપ્રિય કાવ્ય ઈ. સ. ૧૨મી–૧૩મી સદીની રચના છે એવું માનવામાં આવે તો તે જોઈને પણ શ્વેતામ્બરોએ તેનાથી ૧૪મી–૧૫મી સદીમાં પણ પ્રેરણા શા માટે ન લીધી? - એ પણ એક પ્રશ્ન છે. શ્રી નથુરામ પ્રેમીજીએ આ કાવ્યને પ્રકાશિત તો કર્યું હતું પરંતુ કોઈ પ્રાચીન પ્રતના આધાર પર નહીં. શ્રી હીરાલાલ કાપડિયાજીએ પ્રાણપ્રિય કાવ્યની એક પ્રતને ઈ. સ. ૧૬૭૪ની હોવાની વાત કરી છે, તો પછી તેને ઈ. સ. ૧૨મી–૧૩મી સદીનું કે તેની સમકક્ષ કે પુરાવારૂપ માની લેવું ઐતિહાસિક રીતે કેવી રીતે શક્ય છે? અથવા તો ઐતિહાસિક વિશ્લેષણો માટે કેવી રીતે ઉપકારક સિદ્ધ થઈ શકે ? તે પણ એક મુશ્કેલ પ્રશ્ન છે.