________________
126 | ભક્તામર તુલ્યુ નમઃ | કદાચ બ્રાહ્મણ જાતિમાં જન્મ્યા હોય.
ભક્તામર-કલ્યાણ મંદિર - નમિઊણસ્તોત્રત્રયમ્” નામના ગ્રંથમાં સ્તોત્રયુગલનું તુલનાત્મક પર્યાવલોચન કરતાં શ્રી હીરાલાલ કાપડિયાએ જણાવ્યું છે કે “શ્રી માનતુંગસૂરિ બ્રાહ્મણ જાતિના હશે, નહિ તો વીસમા શ્લોકમાં સૂચિત હરિહરના પૂર્વદર્શનની વાત અને આ ૨૩મા શ્લોકમાં શ્રતવાક્યોનો શબ્દોલ્લેખ દુઃસંભવિત છે. વિશેષમાં અંતિમ ભાગ તો શ્રીમદ્ ભગવત ગીતાના આઠમા અધ્યાયના નવમા પદ્યમાં પણ દષ્ટિગોચર થાય છે. શુક્લ યજુર્વેદ (અ. ૩૧)ના પુરુષસૂક્તમાં નીચે મુજબ ઉલ્લેખ જોવાય છે.'
'वेदाहमेतं पुरुषं महान्तम्, आदित्यवर्णं तमसः परस्तात् ।' ઋગ્વદમાં પણ આના અંતિમ શબ્દો નજરે પડે છે. કેમકે ત્યાં એવો ઉલ્લેખ છે કે :
"ॐ नग्नं सुधीरं दिग्वाससं ब्रह्मग सनातनं उपैमि वरं
पुरुषमर्हनामादित्यवर्ण तमसः परस्तात् स्वाहा !" આના ઉપરથી અનુભવાય છે તેમ અંતિમ ચરણ એ શ્રુતિવાક્ય છે અને તેને કવિરાજે શ્લોકમાં ગૂંથી લીધું છે.
આવા જ વિચારોને પોતાની કલ્પના તરીકે જણાવતાં દિગમ્બર વિદ્વાન શ્રી અમૃતલાલ શાસ્ત્રીએ ભક્તામર સ્તોત્રમ્ (હિંદી)ના સંપાદનની પ્રસ્તાવનામાં એક કલ્પના' નામના પરિચ્છેદમાં લખ્યું છે કે “ભક્તામર સ્તોત્રના અગિયારમા શ્લોક દૂર્વ ભવન્ત' ઇત્યાદિ અને એકવીસમા શ્લોક મપેવર ઇત્યાદિ પદોથી મારા મનમાં એ કલ્પના ઊઠી રહી છે કે આચાર્ય માનતુંગ પહેલા જેનેતર સંપ્રદાયથી પ્રભાવિત હતા. જે ત્રણ પદોમાં ભગવાન આદિનાથને ક્રમશઃ અપૂર્વદીપ, સૂર્ય અને ચંદ્ર બતાવવામાં આવ્યા છે તેથી એમ જણાય છે કે તેઓ પહેલાં જે સંપ્રદાયથી પ્રભાવિત હતા, તેમાં સાયંકાળે દીપકને, પ્રાત:કાળે સૂર્યને અને પ્રત્યેક માસના શુક્લ પક્ષની બીજના દિવસે ચંદ્રમાને નમન કરવામાં આવતું હતું જે આજે પણ ચાલુ છે.
મહાકવિ ભારવિની કૃતિ જે કિરાત' નામથી પ્રસિદ્ધ છે તેની મલ્લિનાથની ટીકાથી બીજના ચંદ્રને નમન કરવાની વાતને પુષ્ટિ મળે છે. માનતુંગ એ સંપ્રદાયના પરમારાધ્ય દેવોના ચરિત્રગ્રંથોમાં એમના મન ડગવાની વાત વાંચી ચૂક્યા હતા. એમ લાગે છે કે તેથી જ તેમણે ચિત્ર મિત્ર' ઇત્યાદિ પંદરમાં પદ્યમાં ભગવાન આદિનાથને નિર્વિકાર અડગ મનના જણાવી પ્રતિવસ્તુપમા અલંકારના માધ્યમથી સુમેરુ શિખરની ઉપમા આપી છે. આ કલ્પનાપુષ્ટિ પ્રસ્તુત સ્તોત્રના, તામામનન્તિ' ઇત્યાદિ તેવીશમા પદ્યના આધારે કહી શકાય છે, કેમકે ઉક્ત રચના શુક્લ યજુર્વેદના મંત્રને મળતી ઝૂલતી છે. આટલી સમાનતા આકસ્મિક શી રીતે થઈ શકે ?
જ્યાં સુધી પુષ્ટ પ્રમાણ ન મળે ત્યાં સુધી આ વિષયમાં હું કાંઈ કહી શકતો નથી, એટલે જ આ વાતને એક કલ્પના તરીકે લખી છે.”