________________
158
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
પણ થોડા લોકોએ ‘દિવાકર' શબ્દ જોડી દીધો. લેખકની અસાવધાનીથી માનતુંગનું માતગ થઈ ગયું હોય તો રાજશેખરના માતંગ માનતુંગ હોઈ શકે છે. એમ વી૨દેવ ક્ષપણક નામના દિગમ્બર મુનિ પણ હર્ષવર્ધન (ઈ. સ. ૬૦૬-૬૪૭)ના સમયમાં બાણના મિત્ર હોવાનું મળી આવે છે.’૬
અર્થાત્ રાજશેખરથી માનતુંગનું માતંગ લખાઈ ગયું હોય, જો એમ હોય તો માનતુંગ હર્ષના સમયમાં થયા હોવા જોઈએ. અને જો તેઓ હર્ષના સમયમાં થયા હોય તો સંભવી શકે છે કે માનતુંગ વી૨દેવના શિષ્ય કે ગુરુ રહ્યા હોય તો તેઓ ધનંજયના પણ ગુરુ રહ્યા હોઈ શકે. આ પ્રમાણે જોઈએ તો ભક્તામરકાર માનતુંગસૂરિનો સમય લગભગ ઈ. સ. ૬૦૦થી ૬૫૦નો માની
શકાય.
શ્રી ક્વેકન બૉસ અને શ્રી હર્મન યકોબીના મત સાથે વર્તમાન યુગના આચાર્ય શ્રી રાજયશસૂરિ મ.સા. માનતુંગસૂરિને ત્રીજી સદીમાં થઈ ગયા હોવાનું માને છે. જ્યારે બીજા વિદ્વાનો અને શ્રી હીરાલાલ કાપડિયા અને શ્રી ધીરજલાલ ટોકરશી શાહ જેવા ગ્રંથકારો તેમને છઠ્ઠી કે સાતમી સદીના માને છે. જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ' જેવાં દિગમ્બર પ્રકાશનો માનતુંગસૂરિને ૧૧મી સદીના જણાવે છે. મોટાભાગના વિદ્વાનોને તેમણે “લઘુશાંતિ સ્તવન'ના રચયિતા મહાન શાસકપ્રભાવક શ્રી માનદેવસૂરિના શિષ્ય માને છે. જેઓ મહાવીર સ્વામીની ૧૯મી પાટે થયેલા અને ૨૦મી પાટે માનતુંગસૂરિ થયાનો ઉલ્લેખ ‘પટ્ટાવલી સમુચ્ચય'માં મળે છે.
ભક્તામર સ્તોત્રના રચનાકાર માનતુંગસૂરિના સમયકાળ માટે જુદા જુદા મતો પ્રવર્તમાન છે. આ મતોના આધારે શ્રી માનતુંગસૂરિજી ત્રીજી સદીથી સાતમી સદીની વચ્ચેના સમયગાળામાં થયા હશે એવું અનુમાન કરી શકાય છે.
ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિકથા :
ભક્તામર સ્તોત્રના રચનાકાર શ્રી માનતુંગસૂરીશ્વરજી છે તે વિશેષમાં શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયના બધા જ વિદ્વાનો એકમત હતા અને આજે પણ છે. પરંતુ તેઓ ક્યારે થઈ ગયા તે માટે વિવિધ મતમતાંતરો હોવાને લીધે તેઓ કયા સમય દરમ્યાન વિદ્યમાન હતા તે વિશે કોઈ ચોક્કસ પુરાવા ઉપલબ્ધ નથી.
શ્રી ગુણાકરસૂરિજીએ ઈ. સ. ૧૩૭૦માં રચેલી ‘ભક્તામર સ્તોત્રવૃત્તિ'માં ભક્તામર સ્તોત્રની રચના કઈ રીતે થઈ તેના સંબંધમાં નીચેની કથા રજૂ કરી છે. (આ સ્તોત્રના ઉત્પત્તિ સંબંધી તથા સૂરિજી સંબંધી સમુદાયગત કેટલાક ફેરફારોવાળી, જુદા જુદા વિદ્વાનોએ લખેલી કિંવદંતીઓ પ્રચલિત છે તે મતોનો વચ્ચે વચ્ચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.)
ઉજ્જયિની નગરીમાં વૃદ્ધભોજ રાજા રાજ કરતો હતો. તે વિદ્યાવિલાસી હોવાથી તેના રાજદરબારમાં અનેક પંડિતો, મહાન વિદ્વાનો એકત્રિત થતા હતા. આ નગરમાં રાજાનો માનીતો અને બહુશાસ્ત્રાભ્યાસી મયૂર ભટ્ટ નામનો એક પંડિત હતો. તે કાવ્યરચનામાં ઘણો કુશળ કવિ હતો. તેણે પોતાની પુત્રી બાણભટ્ટ પંડિત સાથે પરણાવી હતી. આ બાણભટ્ટ પણ સંસ્કૃત ભાષાનો મહાપંડિત તથા ઉત્તમ કવિ હતો.