________________
પત્રાંક-૬૯૦. જાગૃતિ કહો, સાવધાની કહો એ રાખવી જોઈએ. અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ.” માત્ર સાવધાની રાખવી નહિ એને અમલ કરવો. પ્રવર્તન કરવી એટલે એમ પ્રવૃત્તિ કરવી. એટલે બીજા પ્રસંગમાં જાવું નહિ. સંસારના પ્રસગો બને એટલા છોડવા, એમ કહે છે. વારંવાર જીવ આ વાત વીસરી જાય છે;” વારંવાર ભૂલી જાય છે કે મારે સત્સંગ કરવો એ ભૂલી જાય છે. અસત્સંગ છોડવો એ પણ ભૂલી જાય છે. અને તેથી ઇચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. અને તેથી એને જે સાધન એટલે ઉપાય પામવો જોઈએ કે જે પરિણતિ એને સધાવી જોઈએ, એ બેમાંથી એકેય મળતા નથી.
“શ્રી સુંદરલાલની ગતિ વિષેનો પ્રશ્ન વાંચ્યો છે. એક પ્રશ્ન પૂછ્યો હશે કે “સુંદરલાલભાઈના તો પરિણામ આવા હતા... આવા હતા તો એની ગતિ કેવી થઈ હશે ? “એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે.” આવો પ્રશ્ન તમારે અત્યારે પૂછવા જેવો નથી. જુઓ ! કેવા ગંભીર છે ! પ્રશ્ન પૂછે એટલે એની ચર્ચા કરી દે એવું નથી. જે પ્રશ્ન જે કાળે ચર્ચવા યોગ્ય ન હોય એ પ્રશ્ન હાથમાં નથી લેતા. એ પ્રશ્ન અત્યારે તમે શાંત કરો. તેમ તે વિષે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી. આ તો માણસો ગમે ત્યારે ગમે તેની ચર્ચા કરી લે છે ને ? ભાઈ ! ક્યાં ગયા હશે ? અહીંથી તો ગયા પણ ક્યાં ગયા હશે? આપણે જરા વિચાર કરીએ. ભાઈ ! એ કોઈ ગહન જ્ઞાનનો વિષય છે. એ કોઈ ઉપરછલ્લા જ્ઞાનનો કે અનુમાન કરવાનો વિષય નથી. આયુષ્યની ગતિની કેવી પરિસ્થિતિ ક્યારે કેવી રીતે થાય છે એ વિષય ઘણો વિચાર માગે એવો વિષય છે. એમને એમ એ વિષયની ચર્ચા કરીને કોઈ એવા પરિણામ જીવ કરે કે જે પોતાને નુકસાનનું કારણ થાય.
મુમુક્ષુ – એના કરતા પોતે ક્યાં જશે એનો વિચાર કરે તો વધારે સારું.
પૂજ્ય ભાઈશ્રી - એ વિચારવા જેવું છે. એનો વિચાર કરે તો જલ્દી જલ્દી પોતાનું હિત થાય. (અહીં સુધી રાખીએ.)