________________
૧૨૮
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૬૯૮ મુંબઈ, શ્રાવણ સુદ ૫, શુક, ૧૯૫૨
જિનાગમમાં ધર્માસ્તિકાય, અધમસ્તિકાય આદિ છ દ્રવ્ય કહ્યાં છે, તેમાં કાળને દ્રવ્ય કહ્યું છે, અને અસ્તિકાય પાંચ કહ્યાં છે. કાળને અસ્તિકાય કહ્યો નથી; તેનો શો હેતુ હોવો જોઈએ? કદાપિ કાળને અસ્તિકાય ન કહેવામાં એવો હેતુ હોય કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશના સમૂહરૂપે છે, અને પરમાણુ પુદ્ગલ તેવી યોગ્યતાવાળાં દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી, માત્ર એક સમયરૂપ છે; તેથી કાળને અસ્તિકાય કહ્યો નથી. ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજો પછી ત્રીજો એમ સમયની ધારા વર્યા જ કરે છે, અને તે ધારામાં વચ્ચે અવકાશ નથી, તેથી એકબીજા સમયનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું સંભવે છેજેથી કાળ પણ અસ્તિકાય કહી શકાય. વળી સર્વજ્ઞને ત્રણ કાળનું જ્ઞાન થાય છે, એમ કહ્યું છે તેથી પણ એમ સમજાય કે સર્વકાળનો સમૂહ જ્ઞાનગોચર થાય છે, અને સર્વ સમૂહ જ્ઞાનગોચર થતો હોય તો કાળ અસ્તિકાય સંભવે છે, અને જિનાગમમાં તેને અસ્તિકાય ગણ્યો નથી, એ આશંકા લખેલ, તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારવા યોગ્ય છે –
જિનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી.
જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપે જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતો નથી. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે.