________________
૨૩૦
રાજહૃદય ભાગ-૧૪
તેથી તેણે એકાંતે ભૂલ કરી છે એમ ન કહી શકાય; જોકે તેણે પણ રાત્રિદિવસ ઉત્કૃષ્ટ ત્યાગની જાગૃતિ રાખતાં પૂર્વક ગૃહસ્થાશ્રમાદિ કરવું પ્રશસ્ત છે.
ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યપ્રાણીની વૃદ્ધિ અટકે, અને તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દૃષ્ટિથી યોગ્ય દેખાય, કેમકે પ્રત્યક્ષ મનુષ્યદેહ જે મોક્ષસાધનનો હેતુ થતો તો હતો તેને રોકીને પુત્રાદિની કલ્પનામાં પડી, વળી તેઓ મોક્ષસાધન આરાધશે જ એવો નિશ્ચય કરી તેની ઉત્પત્તિ માટે ગૃહાશ્રમમાં પડવું, અને વળી તેની ઉત્પત્તિ થશે એ પણ માની વાળવું; અને કદાપિ તે સંયોગો બન્યા તો જેમ હાલ પુત્રોત્પત્તિ માટે આ પુરુષને અટકવું પડ્યું હતું તેમ તેને પણ અટકવું થાય તેથી તો કોઈને ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષસાધન પ્રાપ્ત થવાનો જોગ ન આવવા દેવા જેવું થાય.
વળી કોઈ કોઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષોના ગૃહસ્થાશ્રમ પહેલાંના ત્યાગથી વંશવૃદ્ધિ અટકવાનો વિચાર લઈએ તો તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક જીવો જે મનુષ્યાદિ પ્રાણીનો નાશ કરતાં ડરતા નથી તેઓ ઉપદેશ પામી વર્તમાનમાં તેવી રીતે મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ના અટકે? તથા શુભવૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે ? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે.
અલૌકિક દૃષ્ટિમાં તો મનુષ્યની હાનિ વૃદ્ધિ આદિનો મુખ્ય વિચાર નથી; કલ્યાણ અકલ્યાણનો મુખ્ય વિચાર છે. એક રાજા જો અલૌકિક દૃષ્ટિ પામે તો પોતાના મોહે હજારો મનુષ્યપ્રાણીનો યુદ્ધમાં નાશ થવાનો હેતુ દેખી ઘણી વાર વગર કારણે તેવાં યુદ્ધો ઉત્પન્ન ન કરે, તેથી ઘણા માણસોનો બચાવ થાય અને તેથી વંશવૃદ્ધિ થઈ ઘણા માણસો વધે એમ પણ વિચાર કેમ ન લઈ શકાય?