________________
પત્રાંક-૭૧૫
૩૯૫
તા. ૩-૬-૧૯૯૧, પત્રાંક – ૭૧૫ થી ૭૧૭
પ્રવચન નં. ૩૩રા
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૭૧૫. “મૂળ મારગ સાંભળો જિનનો રે....એ કાવ્ય છે. ત્રીજી કડીમાં મોક્ષમાર્ગના સિદ્ધાંતનું નિરૂપણ કરેલું છે. મૂળમાર્ગ એવો મોક્ષમાર્ગ. મોક્ષનો મૂળમાર્ગ અથવા એકમાત્ર મોક્ષનો માર્ગ. ત્રણે કાળે વાસ્તવિક આત્માને બંધનથી મુક્ત થવાનો આ એક જ માર્ગ છે. શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રનું પરિણમન થાય. જ્ઞાન-દર્શનચારિત્રની શુદ્ધતા એટલે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રનું શુદ્ધ પરિણમન થાય. શુદ્ધ પરિણમન થાય એટલે એ શ્રદ્ધા પોતાના સિદ્ધ સમાન આત્માને શ્રદ્ધ, જ્ઞાન પોતાના સિદ્ધ સમાન આત્માનો અનુભવ કરે અને એવા શ્રદ્ધા-જ્ઞાન દ્વારા સ્વરૂપમાં લીનતા અને એકાગ્રતા વર્તે એને વીતરાગ ચારિત્ર કહે છે. એવા ત્રણે ગુણના શુદ્ધ પરિણામ, એ પ્રકારના જે શુદ્ધ પરિણામને સિદ્ધાંતની અંદર જ્ઞાની પુરુષોએ જિનમાર્ગ કહેલો છે. આ સિવાય બીજા કોઈ પ્રકારે ખરેખર જિનમાર્ગ નથી.
બીજા પ્રકારે જાણવો, બીજા પ્રકારે માનવો એ માર્ગની કલ્પના છે અથવા એ ઉન્માર્ગ છે. માર્ગ નથી પણ એ ઉન્માર્ગ છે. બીજી ક્રિયામાં, બીજા પરિણામમાં જિનમાર્ગનું નિરૂપણ કરવું એ ઉત્સુત્ર પ્રરૂપણ છે. સૂત્ર વિરુદ્ધ પરિણમન એને ઉત્સુત્ર પ્રરૂપણ કહે છે. “આનંદઘનજી એ ગાયું છે ઉત્સુત્ર પ્રરૂપણ સરિખો કોઈ દોષ નહિ.” બીજા બધા દોષ છે એ ગૌણ છે પણ સિદ્ધાંત વિરુદ્ધતા થાય એ સર્વાધિક દોષ છે. ભલે શ્વેતાંબરમાં થયા હતા પણ એ વાત તો એમણે અસાધારણ કરી છે.
મુમુક્ષુ – પાપ નહિ કોઈ ઉસૂત્ર.
પૂજ્ય ભાઈશ્રી – ઉત્સુત્ર ભાષણ સરિખો. “પાપ નહિ કોઈ ઉસૂત્ર ભાષણ સરિખો.” એ ખાસ લીધું છે. એટલે એમાં આપણે તો શું વિચારવાનું છે કે જ્યારે આપણે સિદ્ધાંતનું અવલોકન કરીએ છીએ,