________________
૨૦૮
રાજહૃદય ભાગ-૧૪ પણ જીવ ઉત્પન્ન થાય છે. પછી છે એ તો મડદું છે.
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું.” મનુષ્યદેહ પામીને અવશ્ય મોક્ષનું સાધન કરવું અથવા તે સાધનનો નિશ્ચય કરવો, એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિનો છે. આમાં એક બીજો દૃષ્ટિકોણ બહુ સારો છે કે મનુષ્યપણું વૃદ્ધિ કરવું એટલે બીજા જીવો મનુષ્ય થાય એ વાત છે. પોતે તો મનુષ્ય જ છે. તો બીજા જીવની ચિંતા કરવા માટે તારા મોક્ષને તારે ખોવો છે ? શું કરવું છે તારે ?
જૈનધર્મમાં જેટલા ધર્માત્માઓ થયા તે બધા ધર્માત્માઓએ પહેલા સ્વાર્થ સાધ્યો છે પછી પરમાર્થ કર્યો છે. કદિ કોઈએ એવું નથી કર્યું કે ભલે અમે મોક્ષમાર્ગમાંથી પડી જઈએ પણ અમારે બીજાનું કલ્યાણ કરવું છે. એ પ્રકાર જૈનમાર્ગનો નથી. પોતાનું આત્મહિત કરતા કરતા નિમિત્તનૈમિત્તિકપણે બીજાનું આત્મહિત થાય તો એ કરી છૂટે છે. અથવા એમાં નિમિત્ત થાય છે. નિમિત્ત તરીકે ઊભેલા જોવામાં આવે છે. પણ પોતાનું આત્મહિત ખોઈને કે આત્માનું બગાડીને કોઈ કરે એ માર્ગમાં વિરુદ્ધ છે, માર્ગથી એ વિરુદ્ધ છે. જૈનમાર્ગમાં એ વાત નથી. આની અંદર પાયાનો સિદ્ધાંત આ છે. જે સિદ્ધાંત છે એ પાયાનો આ સિદ્ધાંત છે.
અન્યમતમાં એવા સિદ્ધાંતો કેટલાક બાંધ્યા છે કે અમારે ભલે પાંચપચ્ચીસ ભવ વધારે કરવા પડે પણ અમારે બીજાનું તો ભલું કરવું જ છે. બીજાનું ભલું કરવામાં અમે પહેલા અગ્રેસર થાશું. ભલે અમારે એ નિમિત્તે પાંચ-પચ્ચીસ ભવ વધારે કરવા પડે.
મુમુક્ષ - પૃથ્વી ઉપર પાપ વધે એટલે તો અવતાર ધારણ કરે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એટલે આખો સિદ્ધાંત ઈશ્વરના નામે સાંકળ્યો છે એ લોકોએ. ભગવાન પણ આપણા એમ કરે છે તો આપણે તો કરવું જ જોઈએ ને. આપણા ભગવાન જે કરે એને આપણે અનુસરવું જોઈએ ને. એટલે એ આખો લૌકિક દૃષ્ટિનો વિષય છે, આ અલૌકિક દૃષ્ટિનો વિષય છે એમ કહેવું છે.
મુમુક્ષુ - લૌકિકમાં વેપારી પોતાનું નુકસાન કરીને બીજાનો વેપાર નથી વધારતા.