________________
પત્રાંક-૭૧૫
૩૯૩ મૃત્યુ સુધી પહોંચવા તૈયાર થાય છે ને ? અહીંયાં એવી વેદનમાંથી જન્મમરણ મટાડવાની ભાવના ઉત્પન્ન થાય તો મૂળ મારગ સાંભળો. તો મૂળ માર્ગ સાંભળો. નહિતર મૂળમાર્ગ સાંભળી શકાય એવું, સમજી શકાય એવું નથી. આ સીધી વાત છે.
વળી કરી જોજો વચનની તુલના રે...” જે કાંઈ વચન આવે એને એમને એમ અંધશ્રદ્ધાથી, ઓઘસંજ્ઞાએ હા પાડશો નહિ એમ કહે છે. જિનવચનની તુલના કરજો. તોળજો. કોઈ પણ સામે વાત આવે તો એની તુલના કરજો. તુલનાત્મક દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરજો. તુલનાત્મક દષ્ટિ વિના એમને એમ એ વાતનું મૂલ્ય તમને સમજાશે નહિ. કેમકે અન્ય મતોમાં ઘણી વાતો એવી કરી છે, અધ્યાત્મની વાતો કરી છે, ન્યાયની વાતો કરી છે. અનેક જાતની વાતો કરી છે. એની સાથે આ જિનવચનને તમે તોળી જોજો. કોની વાત વધારે આત્મહિતકારક છે ? એ દૃષ્ટિકોણ અપનાવીને તમે તુલના કરજો, તોળી જોજો તો તમને સમજાશે કે આ વાત કોઈ જુદા માર્ગની છે. મૂળમાર્ગ કોઈ જુદો છે.
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત,” એ જિનસિદ્ધાંતની એ રીતે શોધ કરજો, ખોજ કરજો. એમનેમ જિનસિદ્ધાંતને સ્વીકારવાનો કાંઈ અર્થ નથી. અમે જૈન છીએ, અમારા જિનેશ્વરદેવે આ વાત કરી છે. માટે અમારા જિનેશ્વરે જે કહ્યું હોય તે બધું સાચું જ હોય. એમાં કાઈ પછી શંકા કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમ નહિ. શોધી જોજો. એની શોધ કરજો. સત્ય-અસત્યને કસોટીએ ચડાવવું એનું નામ શોધ છે. આ સોનું શોધે છે કે નહિ? શુદ્ધ કરવું. એવી રીતે.
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત.” અમે તો અહીંયાં જે વાત કહેવાના છીએ (એ) એકલી આત્મકલ્યાણના હેતુથી કહેવા માગીએ છીએ. બીજો કોઈ અમારે હેતુ નથી. આત્મકલ્યાણ સિવાય બીજો આશય નથી, બીજો હેતુ નથી. કોઈ મુમુક્ષુ જીવ એટલે મોક્ષની જેને ભાવના હશે. જુઓ ! શું લીધું ? પરિપૂર્ણ શુદ્ધિની જેને ભાવના હશે એવો કોઈ મુમુક્ષુ આ વાત પ્રાપ્ત કરશે. અને આ વાત બરાબર લક્ષમાં આવશે. બાકી ઉપર ઉપરથી ચાલનારાને આ વાત સમજાશે નહિ. એમ કહેવું છે.