________________
પત્રાંક-૬ ૯૧
૪૧
તા. ૫-૫-૧૯૯૧, પત્રાંક – ૬૯૧, ૬૯૨
પ્રવચન ન. ૩૧૬
શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર-૬૯૧, પાનું-૫૦૩. સોભાગ્યભાઈ” ઉપરનો પત્ર છે. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિએમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી) નિર્વાણની પ્રાપ્તિ થાય. જુદો મત છે. વેદાંતનો મત જુદો છે. તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો.” શું કહે છે? કે બે સંપ્રદાયના શાસ્ત્રોમાં આ ક્ષેત્રથી આ કાળમાં નિર્વાણપદની પ્રાપ્તિ થાય અને ન થાય એવો વિભિન્ન અભિપ્રાય છે. ‘ડુંગરભાઈ” છે એમને વેદાંત ઉપર કાંઈક વિશ્વાસ હતો. તો વિશ્વાસ આમાં છે કે વિશ્વાસ આમાં છે? જે હોય તે. પણ એની પાછળ પરમાર્થ શું છે ? એવો વિશ્વાસ કરવા પાછળ અથવા કોઈ એક વાત સ્વીકારવા પાછળ (પરમાર્થ શું છે ?)
જ્યારે કોઈપણ વાત સામે આવે છે ત્યારે જીવ પોતાની મતિ અનુસાર તેનો કાં તો સ્વીકાર કરે છે, કાં તો એનો અસ્વીકાર કરે છે એટલે કે નિષેધ કરે છે. કાં માન્ય કરે છે, કાં નિષેધ કરે છે, અમાન્ય કરે છે. એમ કરવા પાછળ પરમાર્થ શું છે ? આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ છે ? આવો પ્રશ્ન “શ્રીમદ્જીએ પોતે ઉઠાવ્યો છે. ભલે તમે ગમે તે માનતા હો, તમારી માન્યતા પાછળ તમારા આત્મકલ્યાણનો શું દૃષ્ટિકોણ રહેલો છે કે જેથી તમે માન્યું કે ન માન્યું? આ મહત્વનો વિષય છે. કોઈપણ Issue હોય. આ તો નિર્વાણપદનો વિષય છે. પણ કોઈપણ ધાર્મિક વિષયની અંદર ગમે તે પ્રકારની ધાર્મિક ક્રિયા, ધાર્મિક પ્રસંગ, ધાર્મિક બાબત કોઈ વાત ઊભી થઈને સામે આવે ત્યારે એને માન્ય, અમાન્ય કરવા પાછળ કોઈ પારમાર્થિક દૃષ્ટિકોણ હોવો જરૂરી છે.
પ્રશ્નમાંથી એ વાત નીકળે છે કે મુમુક્ષુજીવનો પારમાર્થિક દૃષ્ટિકોણ, આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ સર્વત્ર ઉપસ્થિત હોવો ઘટે છે. કેમકે મુમુક્ષુ એ છે કે જેણે પોતાનું આત્મકલ્યાણ કરવાનો નિશ્ચય કર્યો છે, નિર્ણય કર્યો છે, નિર્ધાર