________________
પત્રાંક-૬૯૪
લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યા છે. શ્રી ડુંગરનાં અભિપ્રાયપૂર્વક શ્રી સોભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારના અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કહી હોવાનો સંભવ છે, એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે, તે પણ અપેક્ષિત છે.
આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કિંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :- જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે ? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખ્યાર્થ નથી, અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જે બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમકે તે યથાવસરે લખવા યોગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારદૃષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો.
યોગધારીપણું એટલે મનવચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગમાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે; ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના શેય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની