________________
પત્રાંક-૬૯૮
૧૨૯
સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેનો મુખ્ય અર્થ તો એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્ય પર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે; અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે, અને ભૂતકાળ કે ભાવિકાળને વર્તતો દેખે નહીં; જો તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂક્યાપણે અને ભાવિકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે.
ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે, બેમાંથી એક્કે વર્તવાપણે નથી, માત્ર એક સમયરૂપ એવો વર્તમાનકાળ જ વર્તે છે; માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે.
એક ઘડો હમણાં જોયો હોય, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો ત્યારે ઘડાપણે વિદ્યમાન નથી; પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો શાનમાં ભાસ્યમાન થાય છે; તેમ જ હમણાં એક માટીનો પિંડ પડ્યો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે; તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તતો હોતો નથી, એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે.
સૂર્યને લીધે જે દિવસરાત્રિરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે, કેમકે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમનો અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી.
પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દૃઢ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ગુરુઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.
અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીકૃત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો તેમાં, પુગળઅનુભવત્યાગથી, કરવી જ શું પરતીત હો’