________________
૧૦૮
રાજહૃદય ભાગ-૧૪ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી.” આ જે એમના વચનો છે એ એમની દશાની ગહનતાને, ઊંડાણને સંક્ષેપમાં વર્ણવે છે. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે પરમાર્થ વ્યવહારરૂપ જે પ્રવૃત્તિ છે, ખાલી વ્યવહાર વ્યવહારરૂપ પ્રવૃત્તિ નથી પણ પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે તો સહજતા શું ? એ પ્રવૃત્તિ પણ જો કૃત્રિમતા ધારણ કરતી હોય તો સહજતાનું સ્વરૂપ શું પછી ? તો કહે છે, એકધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદવું તે. એની જે સહજતા છે એની પાસે પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી.” શું કહે છે ? જે પ્રારબ્ધનો ક્રમ ધારાવાહી ઉદયમાન છે એ પ્રારબ્ધનો ક્રમ એકધારાએ સમ્યક્ પ્રકારે વેદવો ઘટે છે.
મુમુક્ષુજીવ માટે આ જગ્યાએ વિચારણીય પ્રશ્ન એટલો છે કે પૂર્વકર્મનો ઉદય મુમુક્ષુ જીવને પણ છે કે જેની ભાવના સ્વરૂપ પ્રાપ્તિની છે, જેની ભાવના આત્મકલ્યાણની છે. જન્મ-મરણથી છૂટવું છે. અને પૂર્વકર્મ જ્ઞાની પુરુષને પણ છે કે જે જન્મ-મરણથી છૂટવાના માર્ગમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ચોથા ગુણસ્થાનથી એ પ્રવેશ કરી ચૂક્યા છે. એટલે એ છૂટવાની જે પ્રક્રિયા કરે છે, મોક્ષમાર્ગમાં આગળ વધે છે, મોક્ષ પ્રત્યે જેઓ અનન્ય ભાવે ક્ષણે ક્ષણે પ્રવૃત્તિ કરે છે એટલે એને ૨૫૪માં તીવ્ર મુમુક્ષુ કહ્યા. મુમુક્ષુ અને તીવ્ર મુમુક્ષુ. તીવ્ર મુમુક્ષુની વ્યાખ્યા પણ એ કરી કે જે મોક્ષમાર્ગમાં ક્ષણે ક્ષણે અનન્યપણે આગળ વધે. પાનું-૨૮૮ છે. એમાં એ વાત લીધી છે. પહેલેથી છઠ્ઠી લીટી.
મુમુક્ષતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો. એનું જે ધ્યેય છે મોક્ષ, એના માટે પ્રયત્નવંત થવું. એ પ્રયત્નમાં મોહ નડે છે. મોહાસક્તિને લઈને જીવ એ પ્રયત્ન કરી શકતો નથી. પણ મુમુક્ષુ તે છે કે જે મોહાસક્તિની અંદર મુંઝાઈને પાછો વળવા માગે છે. મોહાસક્તિમાં રોકાઈ જવા માગતો નથી અથવા રોકાઈ શકતો નથી, રોકાતો નથી. ઊલટાનો મુંઝાય છે અને પાછો વળે છે. તો કહે છે કે “મુમુક્ષુતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક “મોક્ષને વિષે જયત્ન કરવો.” એ મુમુક્ષુ છે.