________________
૬૪
રાજહૃદય ભાગ-૧૪
આપણે જરા વિશેષ વિચાર કરશું. પણ એ વિષય એમણે લીધો છે કે જીવ શું ભૂલ કરે છે ? કેવી ભૂલ કરે છે ?
પ્રથમ તો જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે;...' એટલે ક્રિયામાર્ગ જેટલો સ૨ળ નથી અથવા તો જ્ઞાનમાર્ગ કઠણ છે. દુરારાધ્ય છે એટલે આરાધન કરવો કઠણ છે. ક્રિયામાર્ગ જેટલી આરાધના સહેલી નથી. દસ વર્ષનો છોકરો દસ ઉપવાસ કરી નાખે. પણ ૬૦ વર્ષના માણસને શાસ્ત્રનો વિષય સમજવો કઠણ પડે છે. કેમકે ઓલામાં તો કાંઈ વાત જ કરવાની નથી. ખાવાનું બંધ એટલે બંધ. પછી હઠ કરીને બેસી જાય. વાંધો ન આવે. આમાં એવું ચાલતું નથી. આમાં તો સમજણ પડે તો જ ઉપયોગ ચાલે. નહિતર કંટાળી જાય. શાસ્ત્ર છોડી દેવું પડે, વાંચતા વાંચતા હાથમાંથી મૂકી દેવું પડે. ન સમજણ પડે તો રસ જ ન આવે. એટલે ક્રિયામાર્ગની અપેક્ષાએ અને ભક્તિમાર્ગની અપેક્ષાએ જ્ઞાનમાર્ગ કઠણ છે. આરાધવો કઠણ છે એનું નામ દુરારાધ્ય છે.
બીજું એની સૂચના છે કે, પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણાં સ્થાનક છે.' અહીંયાં પરમાવગાઢદશા એટલે શું ? કે મુમુક્ષુની ૫૨માવગાઢદશા. સારી રીતે મુમુક્ષુતા આવ્યા વિના અર્થાત્ આત્મહિતની અવગાઢ ભાવનામાં આવ્યા વિના, સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર ભાવનામાં આવ્યા વિના. આ પહેલી શરત છે. જો જ્ઞાનમાર્ગે ચડવું હોય તો આ વાત પહેલા પોતે તપાસી લેવા જેવી છે કે આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ છીએ, આ પહેલાં પ્રથમ. આપણને લાગુ પડે છે, શાસ્ત્ર વાંચીએ છીએ, શ્રવણ કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ તો સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર ભાવનામાં આવીને કરીએ છીએ કે એમનેમ શરૂ કરી દીધું છે ? બીજા કરે છે આપણે પણ કરો. તો એને તો પડવાના સ્થાન ઘણા છે. એટલે કે એ ભાગ્યે જ પડતો બચશે. આત્મહિતમાં આગળ તો નહિ વધે પણ એને પડતો બચાવવો મુશ્કેલ છે. લગભગ તો એ પડવાનો. એટલે પાછળ જવાનો. આત્મહિત સાધવાને બદલે અહિત સાધશે.
આમ
હવે એમાં શું શું થાય છે ? સંદેહ,...’ ઊપજે છે. શંકા પડે છે. હશે કે કેમ ? શાસ્ત્રમાં ચાર અનુયોગ છે. અનેક પ્રકારની વાતો છે. એમાં કેટલાક કથનો તો પરસ્પર વિરુદ્ધ લાગે એવા છે. દ્રવ્યાનુયોગમાં વસ્તુને વિરુદ્ધ સ્વભાવો પણ છે. કરણાનુયોગ, ચરણાનુયોગમાં પણ વિભિન્ન