________________
પત્રાંક-૬૯૬
૧૦૯ અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” અનન્ય પ્રેમે કહો, અનન્ય ઉત્સાહથી કહો, અનન્ય ઉમગથી કહો, અનન્ય રસથી કહો, અનન્ય પ્રયાસથી કહો. એનો અનન્ય ઉદ્યમ છે. ક્ષણે ક્ષણે પ્રવર્તે છે. તો ઉદય તો બંનેને છે. હવે વિચારણીય પ્રશ્ન શું છે?
ઉદય બંનેને છે. એટલે બાહ્ય પરિસ્થિતિમાં બેય સરખા છે. માનો કે જ્ઞાની મનુષ્ય છે, મુમુક્ષુ પણ મનુષ્ય છે. જ્ઞાનીને વ્યવસાયાદિ પૂર્વકર્મ ગૃહસ્થદશા છે, મુમુક્ષુને પણ ગૃહસ્થદશા છે જેમાં વ્યવસાય આદિ છે. બરાબર ? તો બાહ્ય પરિસ્થિતિ લગભગ બંનેને મનુષ્યોચિત્ત ઉદયની સરખી છે. મનુષ્ય ને નારકીને ઉચિત ઉદય ન હોય, દેવને ઉચિત ઉદય ન હોય કે તિર્યંચને ઉચિત ઉદય ન હોય. સામાન્યપણે. પછી કોઈને તીવ્ર પુણ્યનો ઉદય હોય, કોઈને તીવ્ર પાપનો ઉદય હોય એ કો'કને હોય એને એક બાજુ આપણે રાખીએ અપવાદ ગણીને. પણ સામાન્યપણે મુમુક્ષુને અને જ્ઞાનીને વિચારવામાં આવે તો લગભગ સરખો ઉદય છે.
જ્ઞાની ક્ષણે ક્ષણે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, પ્રારબ્ધને વેદતાં. તો મુમુક્ષુએ એ સમજીને, એ વિચારીને, એ પ્રકારને અનુસરતા, જ્યારે સમજે તો અનુસરે ન સમજે તો ક્યાંથી અનુસરે ? એને પણ આત્મા પ્રત્યે વળવાનું જેને આત્માર્થ કહેવાય છે એવી એક આત્માર્થની દશાની પ્રાપ્તિ થાય. ક્રમે કરીને એ મોક્ષમાર્ગમાં આવી શકે. એટલા માટે એમણે કહ્યું છે કે જે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની થાય. એમ કહેવા પાછળ આ હેતુ છે. વિષય જરા ઉપર ઉપરથી વિચારવા જેવો નથી. ઊંડાણથી વિચારવા જેવો આ વિષય છે.
જ્યારે બંનેને ઉદયની ધારા બરાબર લગભગ સરખી વર્તે છે તો જ્ઞાની શું કરે છે? કે એકધારાએ ઉદયને વેદતા. એકધારાએ વેદવા યોગ્ય જે પ્રારબ્ધ, સમ્યફ પ્રકારે વેદવા યોગ્ય જે પ્રારબ્ધ (એને વેદે છે). જેમકે જ્ઞાનીના શરીરમાં પણ રોગ આવે છે. મુમુક્ષુના શરીરમાં પણ રોગ આવે છે. રોગનો ઉપદ્રવ, રોગની પીડા એ સૌથી વધુ નજીકપણે આત્માના પર્યાય ઉપર અસર કરનારો સંયોગ છે. બીજા સંયોગમાં તો માણસ ગમે તે બીજું અવલંબન લે તો લઈ શકે. કે આજે નહિ ને કાલે આપણા સંયોગ સુધરશે. આપણે આ મુશ્કેલીમાંથી નીકળવાનો પ્રયત્ન કરીએ જ છીએ.