________________
પત્રાંક-૬૯૯
૧૪૭
તા. ૧૯-૫-૧૯૯૧, પત્રીક - ૬૯૯ થી ૭૦૧
વચન ન કર
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૬૯૯, પાનું-૫૦૯. પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં વંચાય છે. એમાં જીવ અને પુદ્ગલની વાત કરી કે અનંતા જીવો છે. પુદ્ગલો પણ બે અણુના સ્કંધથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુથી મળેલા એવા સ્કંધરૂપે અનંતા સ્કંધો વિશ્વની અંદર રહેલા છે. હવે પહેલા Paragraphથી વાત કરે છે. - ધર્મદ્રવ્ય એક છે. ધર્માસ્તિકાય નામનો એક અરૂપી પદાર્થ છે, પણ જડ છે). “ધર્મદ્રવ્ય એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. એનું ક્ષેત્ર કેટલું છે ? કે આખા લોકમાં વ્યાપેલું છે અને એક પરમાણુના પરિમાણથી માપવામાં આવે તો અસંખ્યાત પરમાણુથી માપી શકાય એટલો આખો લોક છે અને એટલું ધર્માસ્તિકાયનું ક્ષેત્ર છે.
અધર્મદ્રવ્ય એક છે. એને પણ અધર્માસ્તિકાય કહેવાય છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે.' બંને જડ, બંને અરૂપી, બંને અસંખ્યાતપ્રદેશાત્મક અને બંને લોકપ્રમાણ વ્યાપક છે. એકસરખા. પણ. બંનેના સ્વભાવમાં વિરુદ્ધતા છે. “આકાશદ્રવ્ય એક છે. આ ત્રણેય એક એક છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય એક છે. તે અનંતપ્રદેશપ્રમાણ છે. એના પ્રદેશો અનંતા છે. તે લોકાલોકવ્યાપક છે.” કેવા છે ? લોક અને અલોક સર્વત્ર વ્યાપક છે.
લોકપ્રમાણ આકાશ અસંખ્યાતપ્રદેશાત્મક છે.” લોકપ્રમાણ આકાશ એટલે આખા આકાશમાં જેટલા ભાગમાં લોક છે એટલે જીવ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, પુદ્ગલ, કાળાણ એવા બીજા પાંચ દ્રવ્યો છે તેને લોક કહે છે અને ત્યાં જે આકાશના પ્રદેશો રહેલા છે તેની સંખ્યા અસંખ્યાત પ્રદેશ છે. એની સંખ્યા અસંખ્યાત છે. બે આકાશ નથી. લોકાકાશ અને અલોકાકાશ એવા બે આકાશ નથી પણ એક આકાશને, એક વિભાગને જેટલામાં લોક