________________
ભક્તિના વીસ દોહરા
એક પણ પૈસો ખર્ચવો પડતો નથી, બહારમાં કોઈપણ દોડધામ કરવી પડતી નથી. કોઈની પાસે કરગરવું પડતું નથી કે બીજા કોઈ મોટા તપ કરવા પડતા નથી. બસ, એક ભગવાનની નિષ્કામ ભક્તિ કરો. કંઈ માંગવાની જરૂર નથી. સકામ ભક્તિમાં માંગણી હોય છે, નિષ્કામ ભક્તિમાં કંઈ માંગણી હોતી નથી. નરસિંહ મહેતાની, ગોપીઓની ભગવાન પ્રત્યે નિષ્કામ ભક્તિ હતી. પૂર્વે ઘણા ભક્તો થઈ ગયા તે બધા સાચા ભક્તો હતા, ભગવાન પાસે તેમણે કંઈ માંગણી કરી નથી, છતાં ભગવાને એમને વગર માંગ્યે ઘણું આપી દીધું છે. નિષ્કામ ભક્તિનું ફળ એમને મળી ગયું છે. જ્યારે આપણે મંદિરમાં જઈએ તો કંઈ માંગણી લઈને જઈએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ તો ભૌતિક સુખ કે ભૌતિક પદાર્થ માંગીએ છીએ. તો એ ભગવાનની સાચી ભક્તિ કહેવાતી નથી, એ બધી સકામ ભક્તિ છે. સકામ ભક્તિનું ફળ સંસાર છે, નિષ્કામ ભક્તિનું ફળ પરંપરાએ મોક્ષ છે. ભગવાનની ભક્તિ કરે તો શું થાય? પરમકૃપાળુદેવ કહે છે,
સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ ભગવાનનો ભક્ત સદા માટે સમભાવી હોય, સમતાવાન હોય, ક્ષમાવાન હોય. જેણે જિંદગીમાં સમતાભાવ રાખ્યો છે, બીજાની ભૂલોને માફ કરી છે, કોઈના પ્રત્યે અંદરમાં કિંચિત માત્ર પણ શલ્ય રાખ્યું નથી એવા જીવની જડ ગતિ એટલે એકેન્દ્રિય ગતિ અને મંદગતિ એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી બધી ગતિ ટળીને, મનુષ્યભવમાં સાચા દેવ - ગુરુ - ધર્મના યોગમાં તેનો જન્મ થાય છે. એવું મહાન પુણ્ય તે ભક્તિવાળો જીવ બાંધે છે. આ કાળમાં ભક્તિ તે સર્વોત્કૃષ્ટ માર્ગ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સહેજે સીધા મોક્ષમાર્ગે ચાલ્યા જવાય એવો ભક્તિમાર્ગ સર્વોત્કૃષ્ટ છે અને તે જો સદ્ગુરુના ચરણ-કમળમાં રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે એવો પદાર્થ છે.
જેવી ભક્તિ નરસિંહ મહેતા, મીરાંબાઈની શ્રીકૃષ્ણ પ્રત્યે, ગૌતમસ્વામીની મહાવીર ભગવાન પ્રત્યે, હનુમાનની શ્રીરામ પ્રત્યે, લઘુરાજસ્વામીની પરમકૃપાળુદેવ પ્રત્યે હતી, તેવી નિષ્કામ ભક્તિ આ કાળમાં ઓછી જોવા મળે છે. આ કાળમાંય ભક્તિ થાય છે, નથી થતી એમ નથી, પણ બહુ અલ્પ જીવોને. અંદરમાં જ્યાં સ્વાર્થવૃત્તિ છૂટી જાય છે અને માત્ર ગુણગ્રાહી દૃષ્ટિથી, સ્વરૂપ દૃષ્ટિથી સરુની તેમજ ભગવાનની ઓળખાણ થાય છે તથા તેમની ભક્તિ કરે છે, તે ભક્તિ જીવને સર્વ પ્રકારની મોક્ષયુક્ત સામગ્રી પ્રાપ્ત કરાવે છે. એ જીવ અલ્પ સમયમાં પોતાનું કાર્ય પૂર્ણ કરી લે છે. પરમકૃપાળુદેવ કહે છે,