________________
ભક્તિના વીસ દોહરા
૫
પ્રભુ ! હું તો અનંત દોષનું ભાજન એટલે પાત્ર છું અને તમારી કરુણાને પાત્ર છું. મારા ઉપર કરુણા કરો. માટે જેના ઉપર ગુરુની, ભગવાનની સાચી કરુણા થાય છે એ જીવના દોષો વહેલા કે મોડા નાબૂદ થયા વગર રહેતા નથી. દરેકે અંતરસંશોધન કરીને નિરંતર પોતાના દોષોને તપાસવા. તેટલા પકડાય એટલા પકડવા અને કાઢવા. શરૂઆતમાં થોડા નીકળે તો બાકીના પણ ધીમે ધીમે નીકળી જશે. આજ દિન સુધી જીવે પોતાના દોષોને છાવર્યા છે, પોષ્યા છે, સંતાડ્યા છે; એટલે એનું પતન થયું છે. આપણું પતન બીજા કોઈ દ્વારા થયું નથી, આપણું પતન આપણા દોષો દ્વારા જ થયું છે.
દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?
જો પોતે પોતાના દોષ જુએ નહીં અને તેને કાઢવાનો પુરુષાર્થ કરે નહીં તો એ દોષ કેવી રીતે જાય ? કેવી રીતે જીવ ભવસાગરથી તરી શકે ? માટે, ભગવાનને રોજ નિષ્કામ ભાવથી, સાચા હૃદયથી પ્રાર્થના કરો. સાચા હૃદયની પ્રાર્થનાને અંદરનો ભગવાન જરૂર સાંભળે છે. જોકે, બહારના ભગવાન તો પૂર્ણ વીતરાગ છે, પણ તેમને જોવાથી તારા અંદરમાં વીતરાગતાની વૃદ્ધિ થશે, ક્રમે ક્રમે બધા દોષ સહજપણે નાબૂદ થશે. ભગવાનને કોઈ દોષ કાઢવાની જરૂર જ પડતી નથી કારણ કે ભગવાન સંપૂર્ણપણે દોષોથી રહિત છે. એવા ભગવાનને ભાવપૂર્વક પ્રાર્થના કરવાથી દોષો નાબૂદ થઈ જાય છે. દ૨૨ોજ ભગવાનના દર્શન કરવા આપણે શા માટે જઈએ છીએ? કારણ કે ભગવાનની નિર્દોષતા આપણા ધ્યાનમાં આવે. ભગવાનમાં કોઈ જ દોષ નથી અને આપણામાં કેટલા દોષ છે ! તે ભગવાનની સાથે સરખામણી કરવાથી ખ્યાલ આવી જાય છે. ભગવાન પદ્માસન, ખડ્ગાસન કે અર્ધ પદ્માસનમાં નાસાગ્ર દૃષ્ટિ રાખી, સ્થિરપણે, વીતરાગપણે, સ્વરૂપસ્થપણે બેઠા છે. મૌનપણામાં પણ ભગવાનનો ઘણો બોધ ભક્તને મળી જાય છે. દૃષ્ટિવાળો ભક્ત હોય તો તે ભગવાનને જોઈને મૌન થઈ જાય છે, શાંત થઈ જાય છે, અંતર્મુખ થઈ જાય છે અને સ્વરૂપમાં એકાગ્ર થઈ જાય છે. સ્વરૂપમાં એકાગ્ર થતા સર્વપ્રકારના દોષો ક્રમે ક્રમે નાબૂદ થઈ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
શુભ શીતલતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો, તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ – ૧૫
-
-