________________
રાજહૃદય ભાગ-૧૪
તા. ૪-૫-૧૯૯૧, પત્રાંક – ૬૮૯, ૬૯૦
પ્રવચન ને. ૩૧૫
૬ ૮૯ ચાલે છે. પાનું-૫૦૧. બીજા Paragraphથી ફરીથી લઈએ. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે....” કોઈપણ સ્વજનનો પરિવારમાંથી દેહત્યાગ થાય એ મૃત્યુના પ્રસંગે ખેદ કરવો, શોક કરવો એ માત્ર કર્મબંધનું કારણ છે. નવું કર્મ બંધાવા સિવાય એનું ફળ બીજું કાંઈ નથી. અને તે પણ અશુભકર્મની પ્રકૃતિનું કર્મ બંધાશે. કોઈ શુભકર્મ બંધાશે નહિ.
મુમુક્ષુ-વૈરાગ્યભાવથી..
પૂજ્ય ભાઈશ્રી - હા. વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે... મૂછભાવે ખેદ કરવો, મોહથી ખેદ કરવો કે મારા હતા તે ચાલ્યા ગયા. મારાપણું રાખીને જે ખેદ થાય છે, મારાપણું ન ભાસે તો ખેદ થાય નહિ, એ તો છાપામાં રોજ વાંચે છે. પોતાપણાને લઈને જે ખેદ થાય છે એ નવા કર્મબંધનું કારણ છે. અને પ્રત્યેક આત્માની ભિન્નતા, આયુષ્યની અનિત્યતા, સંસારની અશરણતા આદિ વસ્તુના સ્વરૂપજ્ઞાન અનુસાર વૈરાગ્ય થવો એ “કર્મસંગની નિવૃત્તિ ભાસે છે...” કેમકે એ વખતે ઉદય આવ્યો એમાં ઉદયને અનુકૂળ ન ચાલ્યો, ઉદયમાં ન જોડાયો. જે ઉદય છે એ ઉદયમાં શોક થવો ઘટતો હતો એના બદલે વૈરાગ્ય આવ્યો. એમ છે. “અને તે સત્ય છે. એ રીતે કર્મબંધન થવું તે સત્ય છે, આ રીતે કર્મની નિવૃત્તિ થવી તે પણ સત્ય છે.
મૂછભાવે ખેદકર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી....” પાછો જે મૂછભાવે ખેદ થાય એનું કોઈ પોતાને લાભમાં પરિણામ આવતું હોય તો બીજી વાત છે. પણ એનું કોઈ પરિણામ તો લાભદાયક છે નહિ. એમ કહે છે. એમ વિચારી.... સંબંધીની પ્રાપ્તિ થતી નથી “અને જે મૂછ થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે...” અવિચારદશા એટલે પોતાને નુકસાન થાય છે છતાં એ પરિણામ કરવા એ તો અવિચારીપણું છે.