________________
18
॥ ભક્તામર તુભ્ય નમઃ II
સૌ યાદ રાખી લેતાં અને કાળક્રમે તેમાં થોડાઘણા ફેરફારો થયા, પોતપોતાની સમજ મુજબનો તેમાં ઉમેરો થતો ગયો. તે ઋગ્વેદની સૌપ્રથમ રચના અથવા રૂપરેખા ગણાઈ. ત્યારબાદ જ્યારે પણ બીજા વેદોની રચના થઈ હશે ત્યારે તેનો મૂળ આધાર મહદ્ અંશે લેવાયો. અન્ય બીજા વેદો સમયાંતરે અસ્તિત્વમાં આવ્યા અને જ્યારે તેમને ગ્રંથ રૂપે અંતિમ સ્વરૂપ મળ્યું તે ‘સંહિતા’ રૂપે આપણી સમક્ષ છે. આ સંહિતાનું રચનાકાર્ય બ્રાહ્મણ કાળ અર્થાત્ ઈ. સ. પૂર્વે ૬૦૦ના સમયમાં થયું હોવું જોઈએ. પણ તે ઉપનિષદોની સાથેના સંલગ્ન કાળ પહેલાંનું હતું. ‘સંહિતા’ના રચયિતાએ મૂળ કથાવસ્તુમાં કોઈ ફેરફાર કર્યો નહીં હોય પરંતુ તે સમયના મંત્રોના ઉચ્ચારો અને લય, ગાવાબોલવાની પદ્ધતિમાં થતા આરોહ-અવરોહ વગેરેમાં પરિણમતા ભેદો સિવાય મૂળ કથાવસ્તુની જાળવણી સાચવવાની ખાસ તકેદારી રાખેલી છે. જેના માટે સૌપ્રથમ કક્ષાના વ્યાકરણાચાર્ય ‘સાકલ્પ’એ ‘પદ’ એટલે કે લખવા-વાંચવાના શબ્દો વિશેથી શરૂઆત કરી જેમાં ‘સંહિતા'માંના પ્રત્યેક અક્ષર અને શબ્દની વિસ્તૃતપણે છણાવટ કરી. જેથી ઋગ્વેદમાં સમાયેલા પવિત્ર મંત્રો અને તેમાં સમાયેલ વ્યાપક અર્થો અકબંધ જળવાઈ રહે. આ આદિ વ્યાકરણવિદના પ્રયાસને કારણે જ આજે ૨૫૦૦ વર્ષનો સમયગાળો વ્યતીત થયો હોવા છતાં ઋગ્વેદના મૂળ પાઠમાં કાનામાત્રાનો પણ ફરક થયો હોવાનું જણાતું નથી. જેનો કોઈ જોટો ગોત્યો જડે તેમ નથી. જે રીતે આ મંત્રો રચાયા ત્યારે બોલાતા હશે, તેવી જ રીતે આ કાળમાં પણ લગભગ બોલાય છે. પણ ઋગ્વેદ સિવાયના વેદોની સંહિતાનાં પદો રચાયા પછીના કાળમાં તે વેદોની રચનામાં ફેરફાર થયા હોવાની સંભાવના શક્ય ગણી શકાય.
છંદરચના અને શબ્દપ્રયોગો :
ઋગ્વેદની રચના અને તેમાં સમાયેલા શબ્દો ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષે થયેલા વ્યાકરણાચાર્ય ‘પાણિની’ના સંસ્કૃત ભાષાના નિશ્ચિત સ્વરૂપે ગોઠવાયેલા છે અને વ્યાકરણના ઉચ્ચ નમૂનારૂપ છે. આ રીતે ક્રિયાપદનાં મૂળ બાર રૂપમાં અને સંલગ્નિત કોઈક રૂપ વપરાયેલ જે હવે સંસ્કૃત ભાષામાં એક રૂપ તરીકે વપરાતું જણાઈ રહ્યું છે. વેદિક સ્તોત્રોની શબ્દરચના અને શબ્દપ્રયોગ સંસ્કૃત ભાષામાં બોલાતા શબ્દભારથી અનોખા પ્રકારનાં અને કર્ણપ્રિય તેમજ સુરીલા, મધુર હોવાનું દરેક સંહિતામાં જણાય છે.
ઋગ્વેદનાં બધાં સ્તોત્રો છંદબદ્ધ અને તાલબદ્ધ છે. તેની ઘણી કડીઓ ચાર પદની બનેલી છે. પરંતુ કોઈક ત્રણ કે પાંચ પદની પણ જણાય છે. જેમાં આઠ, અગિયાર કે બાર એકસ્વરી શબ્દો વપરાયા હોય છે. જોકે ઋગ્વેદનાં સ્તોત્રો સંસ્કૃત ભાષામાં રહેલા છંદ અને ગવાતાં સ્તોત્રો જેવાં લાગે પણ તેનો લય, ગાવા-બોલવાની પદ્ધતિમાં કોઈ ખાસ નિયમ જણાતો નથી. મોટા ભાગે વેદિક સ્તોત્રો ચાર પદની કડીઓનાં બનેલાં હોય છે અને એકસરખા લય અને છંદમાં બોલાતાં હોય છે. પણ કડીની શરૂઆત જે સ્વરે થાય તેના ઊતરતા ક્રમે તે પૂરી કરાય છે. કોઈ ખાસ કડીઓ તીવ્રપણે ઉચ્ચારાય એમ રચાઈ હોય છે. ગાયત્રી મંત્રની જેમ એ એકસાથે કડીઓમાં બોલાય છે. આ પ્રકારની પદરચનાઓ પ્રગાથા તરીકે ઋગ્વેદના આઠમા ગ્રંથમાં મળી આવે છે.