________________
૨૧
પ્રતિમાશતક, શ્લોક : ૨ ભવ્યોને અવશ્ય ફળ આપનારું હોય છે. તેથી ભવ્યો જ્યારે ભાવઅરિહંતને જુએ છે ત્યારે તેમના દર્શનકૃત થયેલા પરિણામને કારણે નિર્જરાદિરૂપ સ્વગતફળ અવશ્ય થાય છે. તેથી તે રૂપ ફળ પ્રત્યે ભગવાનનું દર્શન અવ્યભિચારી છે. જ્યારે કોઇ ભવ્ય જીવ પણ ભગવાનના નામનો જાપ કરતો હોય કે ભગવાનની મૂર્તિનાં દર્શન કરતો હોય કે પૂર્વ અવસ્થામાં રહેલ દ્રવ્યનિક્ષેપારૂપ તીર્થંકરના જીવોને ચક્ષુથી જોતો હોય, ત્યારે પણ જો ભાવ ન થાય તો સ્વગતફલરૂપ નિર્જરા તેને પ્રાપ્ત થાય નહિ. તેથી અમે નિક્ષેપત્રયનો અનાદર કરીએ છીએ. કેમ કે કાર્યાર્થીએ આવ્યભિચારી હેતુમાં જ યત્ન કરવો ઉચિત ગણાય.
અહીં વિશેષ એ છે કે, સામાન્ય રીતે ભવ્યજીવોને સાક્ષાત્ ભાવઅરિહંતનું દર્શન ભાવોલ્લાસ પ્રત્યે જે રીતે કારણ બને છે, તેવા નામાદિ ત્રણ નિક્ષેપ બનતા નથી તેવો અનુભવ છે. તેથી જ ભગવાનની મૂર્તિનાં દર્શન કરનારને પણ સાક્ષાત્ ભગવાનનું દર્શન થાય અને જેવો ભાવ પ્રગટે તેવો ભાવ પ્રગટવો દુષ્કર હોય છે. તેને સામે રાખીને જ પૂર્વપક્ષીએ ભાવનિક્ષેપાને અવ્યભિચારી કહીને આદરણીય કહેલ છે. ટીકાથ:
મૈવ, વાતપણને......કમાવાન્ / પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું. કેમ કે સ્વગતફળમાં ભાવનિક્ષેપાને અવલંબીને થનારા ભવ્યજીવને સ્વગત-નિર્જરાદિરૂપ ફળમાં, સ્વથી વ્યતિરિક્ત-ભિન્ન, એવી ભાવનિક્ષેપનો(મા) પણ અવ્યભિચારિત્વનો અભાવ છે. વિશેષાર્થ :
સાક્ષાત્ ભાવઅરિહંત એ સ્વથી વ્યતિરિક્ત=ભિન્ન, ભાવનિક્ષેપારૂપ છે, જ્યારે પોતાના હૈયામાં પેદા થતો વીતરાગભાવ એ સ્વગત ભાવનિક્ષેપો છે; અને સ્વગતફળની નિષ્પત્તિમાં સ્વથી વ્યતિરિક્ત એવા ભાવઅરિહંતના દર્શનરૂપ ભાવનિક્ષેપો પણ અવ્યભિચારી નથી વ્યભિચારી છે. આથી જ ગૌતમસ્વામીથી પ્રતિબોધ પામનાર એવો હાલિક ભગવાનને જોઈને દ્વેષબુદ્ધિવાળો થાય છે, માટે ભાવનિક્ષેપો અવ્યભિચારી છે એ કથન અસંગત છે.
- યદ્યપિ નામાદિત્રય નિક્ષેપ કરતાં સાક્ષાત્ ભાવઅરિહંતનું દર્શન ભાવોલ્લાસનું કારણ વિશેષ બને તે સંભવિત છે, તો પણ ફળનો અર્થી સાક્ષાત્ ભાવઅરિહંત ઉપલબ્ધ હોય ત્યારે તેમનું અવલંબન ગ્રહણ કરે તે ઉચિત છે; પરંતુ ભાવઅરિહંતનો વિરહ હોય કે તેમની પ્રાપ્તિ હોવા છતાં ક્ષેત્રાદિથી ભાવઅરિહંત દૂર હોય, અને જ્યારે તેમનું અવલંબન અશક્ય બને, ત્યારે નામાદિનું અવલંબન લઇને યત્ન કરે તે હિતાવહ છે. ક્વચિત્ સાક્ષાત્ ભાવઅરિહંતથી જેવો ભાવ ન થાય તેવો ભાવ નામાદિનિક્ષેપાના બળથી ઉત્કર્ષવાળો થાય, તો અધિક નિર્જરાનું કારણ બને. આમ છતાં, બહુલતાએ નામાદિ ચાર નિક્ષેપાઓ પરસ્પર પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરના વિશિષ્ટ ભાવોલ્લાસનું કારણ બને છે.