________________
પ્રતિમાશતક | શ્લોક : ૩
૭૧
યદ્યપિ સામાન્ય રીતે પૂર્વમાં બતાવેલ શ્રદ્ધા અને સંવેગપૂર્વકનો શુભ અધ્યવસાય વર્તતો હોય ત્યારે નિદાન થવાની સંભાવના ઓછી રહે છે; તો પણ ક્વચિત્ તીવ્ર શ્રદ્ધા અને સંવેગથી યુક્ત શુભ અધ્યવસાય વર્તતો હોય ત્યારે પણ, કોઈ બાહ્ય પદાર્થની ઈચ્છા બળવાન થઈ જાય છે ત્યારે, તે પદાર્થની પ્રાપ્તિની ઈચ્છા પંચપરમેષ્ઠિના સ્મરણના ફળરૂપે થઈ જાય છે. તેથી તેના નિવારણાર્થે નિર્નિદાન ગ્રહણ કરવાનું કહેલ છે.
વળી તે પ્રથમ અધ્યયન પાંચ ઉપવાસના તપ વડે ગ્રહણ કરવાનું કહેલ છે, અને પાંચ ઉપવાસનો તપ નવકારગ્રહણના અર્થે બહુમાનભાવના પરિણામની વૃદ્ધિ માટે કરવાનો છે, અને તે ગ્રહણવિધિ ચૈત્યાલયમાં જંતુરહિત સ્થાનમાં બેસીને કરવાની છે. કેમ કે, ભગવાનની સન્મુખ ગ્રહણ કરવાથી પરિણામની વૃદ્ધિ થાય છે, અને જંતુરહિત અવકાશમાં બેસવાથી જયણાનો પરિણામ વૃદ્ધિમતુ થાય છે. હવે નમસ્કાર ગ્રહણ કરતી વખતે ભગવાન સન્મુખ કેવા પ્રકા૨ના અંતઃકરણપૂર્વક ગ્રહણ કરે છે, તે બતાવે છે
જે જીવને પંચમંગલસૂત્રનું મહત્ત્વ જ્ઞાત છે, તે જીવ જાણે છે કે, સંસારસાગરથી તરવા માટે અનન્ય ઉપાયભૂત એવાં આ પાંચ અધ્યયનો છે. તેથી જ પ્રથમ અધ્યયનને ગ્રહણ કરતાં જે જીવની બુદ્ધિમાં અરિહંતનું લોકોત્તમ સ્વરૂપ ઉપસ્થિત થાય છે, અને તેથી જ ભગવાન સન્મુખ જંતુરહિત સ્થાનમાં બેસીને નવકારમંત્ર ગ્રહણ કરવા યત્ન કરે છે, ત્યારે ભગવાનના ગુણોથી તે જીવનું ચિત્ત ઉપરંજિત થયેલું હોવાના કારણે, તેના હૈયામાં અત્યંત ભક્તિ ઉલ્લસિત થાય છે. અને તેના કારણે શિર સહિત શરીરની રોમાવલીઓ રોમાંચિત=પુલકિત બને છે, વદનકમળ પ્રફુલ્લિત બને છે, દૃષ્ટિ પ્રશાંત, સૌમ્ય અને સ્થિર બને છે=ભગવાનના ગુણોની અભિમુખ ચિત્ત હોવાના કારણે, કષાયોનો ઉપશમ થવાના કારણે, તે જીવની દૃષ્ટિ ભગવાનના ગુણોને અવલંબીને સૌમ્ય બને છે, અને ગુણો પ્રત્યે અત્યંત આકર્ષણ હોવાના કારણે સ્થિર બને છે. અને તેના કારણે હૈયામાં નવા નવા સંવેગો ઊછળે છે=ભગવાનનું વીતરાગસ્વરૂપ સૂક્ષ્મ-સૂક્ષ્મતર દેખાવાના કારણે તે સ્વરૂપપ્રાપ્તિની અભિલાષા રૂપ નવા નવા સંવેગો હૈયામાં ઊછળે છે; અને તેના કારણે બહલ=મોટો, ઘન=દૃઢ એવો અચિંત્ય શુભ પરિણામ પેદા થાય છે, અને તે પરિણામ સતત ચાલે છે. તે પરિણામ કલ્પના ન કરી શકાય તેવો અચિંત્ય પરમ શુભ પરિણામ હોય છે. સામાન્ય લોક તે પરિણામને ન સમજી શકે તેવા પ્રકા૨નો અચિંત્ય શ્રેષ્ઠ કોટિનો શુભ પરિણામ, તીવ્ર સંવેગને કા૨ણે થાય છે, અને તેના કારણે વિશેષરૂપે સ્વજીવવીર્ય ઉલ્લસિત થાય છે. શુભ પરિણામને કારણે સ્વજીવવીર્ય એ અધ્યયન ગ્રહણ ક૨વા માટે વિશેષ પ્રકારે ઉલ્લસિત થાય છે; અને તેના કારણે અનુસમય= પ્રતિસમય, વધતા પ્રમોદ વડે કરીને સુવિશુદ્ધ, સુનિર્મળ અને સ્થિર એવું દૃઢ અંતઃકરણ બને છે–તેવા પ્રકારના શુભ પરિણામને કા૨ણે તે વખતનો ઉપયોગ શુદ્ધ અને સુનિર્મળ=અતિશય નિર્મળ, બને છે કે, જેના કારણે ગ્રહણ કરાતું અધ્યયન એકદમ સારી રીતે પરિણામ પામી શકે તેવો શુદ્ધ નિર્મળ ઉપયોગ બને છે. વળી તે ઉપયોગ સ્થિર=અન્ય કોઈ નિમિત્તકૃત વ્યાક્ષિપ્તતા વગરનો, અને દૃઢ જોઈએ=
K-2