________________
પ્રતિમાશતક, શ્લોક : ૧૪
૧૭૯ વિષયના ભેદથી પક્ષાંતરને આશ્રયીને ઠાણાંગસૂત્રની વૃત્તિમાં ત્રણ પ્રકારનું વ્યાખ્યાન કરાયેલું છે તે નૈગમનયને આશ્રયીને ઘટી શકે. અને એવું ન માનો તો-નૈગમનયના આશ્રયણ વગર ત્રણ ભેદો સ્વીકારો તો, અવિરતસમ્યગ્દષ્ટિનો અધ્યવસાય ક્યાં અંતર્ભાવ પામશે ? એ પ્રકારે પૂર્વપક્ષીએ વિચારણા કરવી જોઈએ. અર્થાત્ જો પૂર્વપક્ષી નગમનયને આશ્રિત પરિભાષાવિશેષને આશ્રયીને વિષયભેદથી સૈવિધ્યને ન સ્વીકારે, પરંતુ અન્ય રીતે વિષયના ભેદથી વૈવિધ્ય સ્વીકારે, તો અવિરતસમ્યગ્દષ્ટિનો સમ્યક્તનો અધ્યવસાય તે ત્રણમાં અંતર્ભાવ પામી શકે નહિ. તેથી એ પ્રાપ્ત થાય છે, જેમ ધાર્મિક વ્યવસાય છે, તેમ અધાર્મિક વ્યવસાય પણ છે અને ધાર્મિકા ધાર્મિક વ્યવસાય પણ છે, અને તેનાથી અતિરિક્ત સમ્યક્તનો ચોથો વ્યવસાય છે, તેમ પૂર્વપક્ષીને માનવું પડે.
અવિરત સમ્યગ્દષ્ટિનો અધ્યવસાય ક્રિયારૂપ નથી છતાં સંયમની ક્રિયાનું દૂરવર્તી કારણ છે, તેથી નિગમનયનું આશ્રયણ કરવાથી તેમાં અંતર્ભાવ પામી શકે અને નૈગમનયનું આશ્રયણ ન કરે તો સમ્યક્તનો અધ્યવસાય ક્રિયારૂપ નહિ હોવાથી ત્રણ ક્રિયામાં અંતર્ભાવ પામે નહિ, તેથી ધર્માધર્માદિ ત્રણ ક્રિયાના અધ્યવસાયથી સમ્યક્તના અધ્યવસાયને જુદો ગણીને ચાર વ્યવસાય માનવા પડે. જેથી સ્થાનાંગમાં કહેલ ત્રણ ભેદો સંગત થાય નહીં.
સ્થાનાંગની વૃત્તિમાં કહેલ પક્ષાંતરના ત્રણ ભેદો નૈગમનયનો આશ્રય કર્યા વગર પૂર્વપક્ષી કરે તો ચોથો વ્યવસાય માનવાનો દોષ આવે. તે આ રીતે -
(૧) દેશવિરતિધર હોય કે સમ્યગ્દષ્ટિ હોય, પરંતુ તે સામાયિક કરતો હોય તો તે સંયમવિષયક અધ્યવસાય છે, માટે ધાર્મિક વ્યવસાય છે. અને દેવો પણ ભગવાનને વંદન કરે છે, તે ભગવાનના સંયમ પ્રત્યેના પૂજ્યભાવ સ્વરૂપ છે, તેથી સંયમવિષયક અધ્યવસાય છે, માટે ધાર્મિક વ્યવસાય છે (૨) અને સંસારી જીવોની સંસારની ક્રિયાઓ અસંયમવિષયક હોવાથી અધાર્મિક વ્યવસાય છે. તે જ રીતે સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધરની પણ સંસારની ક્રિયાઓ અસંયમવિષયક હોવાથી અધાર્મિક વ્યવસાય છે, (૩) અને ઉપાશ્રયનું નિર્માણ કરવું કે ધનાદિ આપવું તે દેશસંયમવિષયક વ્યવસાય છે. કેમ કે તે આરંભાત્મક ક્રિયાઓ છે અને સંયમની આરાધનાનું સાધન હોવાથી સંયમરૂપ પણ છે. તેથી સંયમસંયમસ્વરૂપ ઉપાશ્રયનું નિર્માણ કે દાનાદિ ક્રિયાઓ એ સંયમસંયમ વિષયક હોવાથી ધાર્મિકા ધાર્મિક વ્યવસાય છે. અને આમ સ્વીકારવાથી સમ્યક્તનો અધ્યવસાય સંયમ, અસંયમ કે સંયમસંયમરૂપ નહિ હોવાથી ઉપરમાં બતાવેલ ત્રણ પ્રકારના વ્યવસાયમાં અંતર્ભાવ થઈ શકે નહિ. તેથી સમ્યક્તના અધ્યવસાયરૂપ એવો - ચોથો વ્યવસાય માનવાની પૂર્વપક્ષીને આપત્તિ છે.
ઉત્થાન :
પૂર્વમાં ગ્રંથકારે કહ્યું કે, નૈગમનય આશ્રિત પરિભાષાવિશેષથી જ વિષયભેદથી વૈવિધ્યનું વ્યાખ્યાન પૂર્વપક્ષી લુંપાક કરી શકે. અન્યથા સમ્યક્તનો અધ્યવસાય ક્રિયાત્મક નહિ હોવાથી ત્રણમાં અંતર્ભાવ થઈ શકે નહિ. તેના જવાબરૂપે પૂર્વપક્ષી લુંપાક કહે છે -