________________
અષ્ટક પ્રકરણ
૯૦
૫-ભિક્ષા અષ્ટક
મારો નથી ઇત્યાદિ) ભેદભાવ વિના પોતાની શક્તિ પ્રમાણે દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારની કરૂણાને કરે.” (પોતાની શક્તિ પ્રમાણે અન્યના દુ:ખને દૂર કરવાનો પ્રયત્ન કરવો એ દ્રવ્ય અનુકંપા છે. અન્યના દુઃખને દૂર કરવાની શક્તિ ન હોય ત્યારે દુઃખી જીવ પ્રત્યે હૃદયમાં દયાભાવ રાખવો એ ભાવ અનુકંપા છે.)
અહીં ક્ષેત્ર ( પાત્ર) પ્રમાણે દાનફળની વ્યવસ્થા વ્યવહારનયને આશ્રયીને કહી છે.
આશય પ્રમાણે – શુભ, અધિક શુભ, અશુભ, અધિક અશુભ વગેરે પ્રકારના અધ્યવસાયથી દાનનું ફળ મળે. આ નિશ્ચયનયના મતથી કહ્યું છે.
શુભ-અશુભફળોમાં અધ્યવસાય જ મુખ્ય કારણ છે. કહ્યું છે કે-“શાસ્ત્રમાં તુલ્ય પણ જીવવધમાં ઘણું મોટું અંતર જણાવ્યું છે. એ પ્રમાણે તપ વગેરેમાં નિર્જરાનાં ફળો પણ પરિણામ પ્રમાણે ઘણા પ્રકારનાં છે.” (ઓ. નિ. પર)
(ભાવાર્થ– જીવવધ કરવા માટે પ્રવૃત્ત થયેલા બે પુરુષોને કર્મબંધ સમાન થતો નથી. તે બેમાં જે અતિશય સંક્લિષ્ટ પરિણામવાળો છે તે સાતમી નરકમાં ઉત્પન્ન થાય, અને તેનાથી અલ્પ સંક્લિષ્ટ પરિણામવાળો પુરુષ બીજી વગેરે નરકમાં ઉત્પન્ન થાય. આ પ્રમાણે આ ગાથાના પૂર્વાર્ધમાં બંધને આશ્રયીને અસમાનતા કહી છે. ગાથાના ઉત્તરાર્ધમાં કર્મનિર્જરાને આશ્રયીને અસમાનતા જણાવી છે. અનેક પુરુષો નિર્જરા થાય તેવા તપ વગેરે યોગમાં વર્તમાન હોય. પણ બધાને સમાન નિર્જરા ન થાય. એકને જેટલી નિર્જરા થાય તેનાથી બીજાને અધિક નિર્જરા થાય. તેનાથી ત્રીજાને અધિક નિર્જરા થાય એવું બને. જેને જેવા પરિણામ હોય તેને તેવી નિર્જરા થાય.)
આ પ્રમાણે ગર્વ-મત્સર આદિના પરિણામથી ગુણવાન પણ પાત્રને આપનારને શુભ ફળ ન મળે. અનુકંપા-પ્રવચનનિંદા રક્ષણ વગેરેના પરિણામથી ગુણરહિતને અપાતું દાન પણ શુભ ફળવાળું થાય છે.
મૂળગાથામાં “પિ” શબ્દનો પ્રયોગ ભિક્ષાના ફળના ભેદ પ્રત્યે અન્ય કારણનો (=ગાથામાં કહેલ ક્ષેત્ર અને આશયરૂપ કારણથી અન્ય કારણનો) સમુચ્ચય કરવા માટે છે, અર્થાત્ ભિક્ષાના ફળમાં જે ભેદ પડે છે તેમાં ક્ષેત્ર અને આશય સિવાય અન્ય પણ કારણ છે તે જણાવવા માટે છે. તે અન્ય કારણ આપવા યોગ્ય (પુરુષ) વિશેષ અને દાનનો અવસર છે. તેમાં આપવા યોગ્ય (પુરૂષ)ને આશ્રયીને કહ્યું છે કે-“હે ભગવંત ! જેણે પાપકર્મોને પ્રતિકત-પ્રત્યાખ્યાત કર્યા છે તેવા પ્રકારના શ્રમણને કે માહણને અપ્રાસુક (=સચિત્ત) અને અનેષણીય ( દોષિત) અશન, પાન-ખાદિમ-વાદિમ વહોરાવનાર શ્રાવકને શું ફળ મળે ? હે ગૌતમ ! તેને ઘણી નિર્જરા થાય અને અલ્પ પાપકર્મ બંધાય.” (ભગવતી સૂ. શ. ૮ ઉ. ૬ સૂ૩૩૨) (આ વર્ણન તેવા પ્રકારની ગાઢ બિમારીવાળા સાધુને આશ્રયીને જાણવું)
તથા દાનના અવસરને પણ આશ્રયીને કહ્યું છે કે-“જેમ કોઇ વૈદ્ય જવરના રોગીને ઘેબર આપે તો આપનાર લેનાર બંનેને નુકશાન થાય છે, અને ભસ્મકરોગવાળાને ઘેબર આપે તો આપનાર-લેનાર બંનેને લાભ થાય છે. તેમ જો શુદ્ધ આહારથી સાધુનો નિર્વાહ થઇ શકતો હોય તો અશુદ્ધ આહાર લેનાર-દેનાર બંનેને અહિતકર બને છે. તે (અશુદ્ધ) જ આહાર શુદ્ધ આહારથી નિર્વાહ ન થઇ શકતો હોય ત્યારે લેનારદેનાર બંનેને હિતકર છે. (પિંડ વિ.ગા. ર૧, યતિદિન ગા. ર૩૫)