________________
અષ્ટક પ્રકરણ
૧૦૮
૭-પ્રચ્છન્નભોજન અષ્ટક જો મિથ્યાત્વથી હણાયેલી બુદ્ધિવાળા તેને પોતાના જ દોષથી અપ્રીતિ વગેરે ઉત્પન્ન થાય તેથી સંક્લેશ રહિત મનવાળા અમને શું ? આવી આશંકા કરીને કહે છે–
અથવા
“પુણ્ય(બંધ) આદિ દોષોના ત્યાગ માટે” એમ કહ્યું છે. અહીં આદિ શબ્દથી લીધેલા પાપબંધને બતાવવા માટે કહે છે–
શ્લોકાર્થ– દીન આદિની અપ્રીતિ આદિ દોષો ટાળવાનો ગુપ્ત ભોજન રૂ૫ ઉપાય હોવા છતાં પ્રમાદથી અગુપ્ત ભોજન કરનાર મુનિ નિમિત્તભાવથી શાસ્ત્રાર્થનો બાધ કરે છે. શાસ્ત્રાર્થ બોધ કરવાથી પ્રગટ ભોજનમાં (પ્રગટ ભોજન કરનાર મુનિને) પાપબંધ કહ્યો છે. (૬)
ટીકાર્થ– પ્રમાદથી– એકાંતમાં બેસવા છતાં કોઇ બળજબરીથી ભોજન કરતા સાધુને જુએ તો સાધુને પાપબંધ ન થાય માટે પ્રમાદથી એમ કહ્યું છે. આળસથી પરાભવ પામવાના કારણે પ્રમાદથી પરની અપ્રીતિ આદિમાં નિમિત્ત બને તો સાધુને પાપબંધ થાય. અપ્રમત્તમુનિ અપ્રીતિ આદિમાં નિમિત્ત બને તો પણ શાસ્ત્રાર્થના બાધ ન થવાથી તેને અહિંસકની જેમ પાપબંધ ન થાય. કહ્યું છે કે-“આત્મા જ અહિંસા છે, આત્મા જ હિંસા છે, એ પ્રમાણે આ નિશ્ચય (=પરમાર્થ) છે. આથી જે અપ્રમત્ત છે તે અહિંસક છે, અને જે પ્રમત્ત છે તે હિંસક છે.” (ઓશનિયુક્તિ-૭૫૫).
નિમિત્તભાવથી– નિમિત્તભાવથી એટલે દીન આદિના અમીતિ, શાસનષ, કુગતિ પરંપરારૂપ દોષોમાં કારણ બનવાથી. તેથી શાસ્ત્રાર્થનો બાધ કરે છે. અન્યોની અપ્રીતિનો ત્યાગ કરવો=અન્યોની અપ્રીતિમાં નિમિત્ત ન બનવું એ શાસ્ત્રાર્થ છે.
પૂર્વપક્ષ- એમ તો મહામુનિઓને પણ પાપબંધનો પ્રસંગ આવે. કારણકે તેઓ પણ મહામિથ્યાત્વથી હણાયેલા જીવોમાં અપ્રતિ આદિનું નિમિત્ત બને છે.
ઉત્તરપક્ષ- દીન આદિમાં અપ્રીતિ આદિની ઉત્પત્તિના ત્યાગનો પ્રચ્છન્ન ભોજનરૂપ ઉપાય હોવા છતાં પ્રમાદથી નિમિત્ત બને તો પાપબંધ થાય. મહામુનિઓને પરની અપ્રીતિના ત્યાગનો ઉપાય ન હોય ત્યારે કે ઉપાય હોય ત્યારે અપ્રીતિ ન થાય એ માટે પ્રયત્ન કર્યો છતે પરિણામવિશુદ્ધિ હોવાથી પાપબંધ ન થાય.
શાસ્ત્રાર્થનો બાધ કરે છે– શાસ્ત્રમાં જે રીતે કરવાનું કહ્યું છે તેનાથી બીજી રીતે કરે છે. શાસ્ત્રાર્થના બાધ મહાન અનર્થનું કારણ છે. કહ્યું છે કે “જે શાસ્ત્રમાં કહેલ વિધિને છોડીને પોતાની મરજી પ્રમાણે વર્તે છે, તે મોક્ષ, સુખ અને ઉત્તમગતિને પામતો નથી.”
શાસ્ત્ર પરની અપ્રીતિનો ત્યાગ કરવા માટે પ્રયત્ન કરવાનું પ્રતિપાદન કરવામાં જ તત્પર છે, અર્થાત્ શાસ્ત્ર પરને અપ્રીતિ ન થાય તેમ પ્રયત્ન કરવાનું કહે છે. તે આ પ્રમાણે-“બાહ્ય વસ્તુના નિમિત્તથી કોઇને ય અલ્પ પણ બંધ કહ્યો નથી, અર્થાત્ કોઇને ય બાહ્યવસ્તુના નિમિત્તથી જરાપણ બંધ થતો નથી, કિંતુ આત્મપરિણામથી જ બંધ થાય છે.
પૂર્વપક્ષ- જો એમ છે તો પૃથ્વીકાય આદિની યતના ન કરવી, કેવળ પરિણામની શુદ્ધિ રાખવી.