________________
અષ્ટક પ્રકરણ
૨૬૪
૨૪-પુણ્યાનુબંધિપુણ્યાદિચતુર્ભાગી અષ્ટક
ચોવીસમુ પુણ્યાનુબંધી પુણ્યાદિ વિવરણ અષ્ટક (પુણ્યના પુણ્યાનુબંધી અને પાપાનુબંધી એ બે ભેદો તથા પાપના પુણ્યાનુબંધી અને પાપાનુબંધી એ બે ભેદો છે. આમ પુણ્ય-પાપના ચાર ભેદો છે. કોઇપણ સમયે બંધાયેલું પુણ્ય કે પાપ પુણ્યાનુબંધી છે કે પાપાનુબંધી છે એનો આધાર એ જ્યારે ઉદયમાં આવે ત્યારે પુણ્ય-પાપ એ બેમાંથી કોનો બંધ કરાવે છે એના ઉપર છે. જો પુણ્યનો બંધ કરાવે તો પુણ્યાનુબંધી અને પાપનો બંધ કરાવે તો પાપાનુબંધી કહેવાય. આથી જે પુણ્ય ઉદય વખતે પુણ્યનો બંધ કરાવે તે પુણ્યાનુબંધી અને પાપનો બંધ કરાવે તે પાપાનુબંધી કહેવાય. જે પાપ ઉદય વખતે પુણ્યનો બંધ કરાવે તે પુણ્યાનુબંધી અને પાપનો બંધ કરાવે તે પાપાનુબંધી કહેવાય. આ અષ્ટકમાં મનુષ્યાદિ ચારગતિઓને આશ્રયીને પુણ્ય-પાપના આ ચાર ભેદોની વિચારણા કરવામાં આવી છે.)
પ્રશ્ન- શાસનની ઉન્નતિ કરવાથી જીવ કલ્યાણના અનુબંધવાળી ઉન્નતિને પામે છે એમ (અ.૨૩.ગા. ૮માં) કહ્યું. તેમાં પ્રશ્ન થાય કે શું અકલ્યાણના અનુબંધવાળી પણ ઉન્નતિ છે? કે જેથી હિતાયા એવા વિશેષણ સહિત ઉન્નતિ કહેવામાં આવે છે.
ઉત્તર અકલ્યાણના અનુબંધવાળી પણ ઉન્નતિ છે. કારણ કે પુણ્યથી થનારી ઉન્નતિ કલ્યાણના અનુબંધવાળી અને અકલ્યાણના અનુબંધવાળી એમ બે પ્રકારની છે. અહીં પુણ્યાનુબંધી પુણ્યના વિચારમાં ચાર ભાંગા છે. તે આ પ્રમાણે-(૧) પુણ્યનુબંધી (=પુણ્યની પરંપરા ચાલે તેવું) પુય (૨) પાપાનુબંધી (=પાપની પરંપરા ચાલે તેવું) પુણ્ય (૩) પાપાનુબંધી પાપ. (૪) પુણ્યાનુબંધી પાપ.
તેમાં પહેલા ભાંગાના પ્રતિપાદન માટે ગ્રન્થકાર કહે છે – ગાથાના પાઠાંતરની અપેક્ષાએ સંબંધ આ પ્રમાણે છે–
શાસનની ઉન્નતિ તીર્થંકર નામકર્મનું કારણ છે એમ પહેલાં (અ. ૨૩ ગા.૮ માં) કહ્યું. તીર્થંકર નામકર્મ પુણ્યરૂપ છે. પુણ્ય વગેરેના વિચારમાં પહેલાં કહેલા જ ચાર ભાંગા થાય છે.
તેમાં પહેલા ભાંગાને કહેવા માટે કહે છે –
શ્લોકાર્થ– જેમ કોઇ મનુષ્ય સારા ઘરમાંથી અન્ય અધિક સારા ઘરમાં રહેવા જાય, તેમ જીવ સુધર્મથી (=પુણ્યાનુબંધી પુણ્યથી) મનુષ્યાદિ સારા ભવમાંથી અન્ય દેવ આદિ સારા ભવમાં જાય છે. (૧)
ટિકાર્થ– અહીં મનુષ્યભવનું ગ્રહણ કર્યું તે મનુષ્યભવ વિશિષ્ટ ચારિત્રથી સાધ્ય પુણ્યને યોગ્ય હોવાથી તેની પ્રધાનતા જણાવવા માટે છે.
સુધર્મથી=પુણ્યાનુબંધી પુણ્યથી. પુણ્યાનુબંધી પુણ્ય પુણ્યના અનુબંધવાળું હોવાથી સુ=શુભ છે, અને દયા વગેરે ધર્મથી ઉત્પન્ન થતું હોવાથી ધર્મ છે.
શુભ મનુષ્ય આદિ જીવે પૂર્વભવમાં ઉપાર્જિત કરેલું (બાંધેલું) જે કર્મ મનુષ્યપણું આદિ શુભ ભાવના અનુભવનું કારણ થાય છે, અને પછી દેવાદિગતિની પરંપરાનું કારણ બને છે, તે કર્મ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે.
ભાવાર્થ- મનુષ્ય ભવમાંથી દેવગતિમાં જનાર મનુષ્ય પૂર્વભવે જે પુણ્ય ઉપાર્જન કર્યું તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. કારણ કે એ પુણ્યના ઉદય વખતે નવા પુણ્યનો બંધ થાય છે. આ પુણ્યાનુબંધી પુણ્ય જ્ઞાન સહિત અને નિદાનરહિત શુભાનુષ્ઠાનથી થાય છે. જેમ કે ભરત મહારાજા આદિનું પુણ્યાનુબંધી પુણ્ય. (૧).