________________
અષ્ટક પ્રકરણ
૨૦૩.
૧૬-નિત્યાનિત્યપક્ષમંડન અષ્ટક અનુભવ કરનાર નાશ પામે છે. તેથી કોને સ્મરણ થાય? અન્ય જે અનુભવેલું હોય તેનું બીજો સ્મરણ ન કરે.
પૂર્વપક્ષ– અનુભવક્ષણસંસ્કારથી તેવા પ્રકારનો સ્મરણક્ષણ ઉત્પન્ન થાય છે.
ઉત્તરપક્ષ- એ પ્રમાણે નથી. કારણ કે અનુભવો અનુગમ (અન્વય)ના લેશથી પણ રહિત છે. અને અત્યંત વિલક્ષણ છે. જો આવા અનુભવો પસાર થઇ ગયા પછી ઉત્પન્ન થતી સ્મરણક્ષણમાં પૂર્વકાલીન અનુભવ ક્ષણનો સંસ્કાર છે તો એ વાત શ્રદ્ધાથી ભલે જાણી શકાય, પણ યુક્તિથી જાણી શકાય તેવી નથી. કારણ કે પૂર્વકાલીન અનુભવક્ષણ ઘણા વખત પહેલાં નાશ પામી છે અને વચલી (=અનુભવ અને સ્મરણની વચ્ચેની) ક્ષણોમાં સંસ્કારનો અંશ પણ જણાતો નથી. તથા સહસા જ અનંતરક્ષણથી વિલક્ષણ એવા સ્મરણક્ષણની ઉત્પત્તિ જોવામાં આવે છે.
પરિણામપક્ષમાં તો આત્મા પૂર્વકાલીન અનુભવક્ષણે જે સંસ્કાર મૂક્યો તે સંસ્કારના અન્વયવાળા અનુભવક્ષાના પ્રવાહરૂપ છે, અને વિવિધ ધર્મના સમુદાય સ્વરૂપ છે. આવા આત્માથી સ્મરણાક્ષણની ઉત્પત્તિ યુક્તિયુક્ત છે.
પૂર્વપક્ષ વચ્ચેની (અનુભવ-સ્મૃતિ એ બેની વચલી) ક્ષણોમાં અનુભવનો સંસ્કાર જોવામાં આવતો નથી. એથી અનુભવના સંસ્કારની સત્તા કેવી રીતે હોય?
ઉત્તરપક્ષ- જો વચ્ચેની ક્ષણોમાં અનુભવનો સંસ્કાર જોવામાં ન આવવાથી, ન માનવામાં આવે તો સ્મૃતિ કારણ વિના જ થઇ એમ માનવું પડે. કારણ વિના સ્મૃતિ ઘટી શકે નહિ. (માટે ન દેખાવા છતાં અનુમાન પ્રમાણથી અનુભવસંસ્કાર સિદ્ધ થઇ શકે છે)
(૨) તથા આત્મા નિત્યાનિત્ય છે (સાધ્ય). કારણ કે આત્મા નિત્યાનિત્ય ન હોય તો પ્રત્યભિજ્ઞાન ન ઘટી શકે (હેતુ). તે આ પ્રમાણે-એકાંત નિત્યત્વ પક્ષમાં સાક્ષાત્ કેવળ અનુભવ જ ઘટે. પ્રત્યભિજ્ઞાન ન ઘટે. (જો પ્રત્યાભિજ્ઞાન થાય તો આત્મા એક સ્વરૂપ ન રહ્યો. પહેલાં અનુભવ સ્વરૂપ હતો, પછી પ્રત્યભિજ્ઞાન સ્વરૂપ થયો. આમ આત્મા એક સ્વરૂપ ન રહ્યો. કોઇ વસ્તુને જોયા પછી કાલાંતરે એ જ વસ્તુને જોઇને “આ તે જ છે” (જે પૂર્વે મેં જોઇ હતી) એવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે.)
અનિત્યપક્ષમાં તો અનિત્ય હોવાથી જ પૂર્વે જોનાર અને પૂર્વે જોયેલી વસ્તુ એ બંનેનો નાશ થવાથી અને અપૂર્વ તે બેની ઉત્પત્તિ થવાથી પ્રત્યભિજ્ઞાનનો સંભવ નથી. જેણે વસ્તુ જોઇ નથી તેને અદષ્ટ વસ્તુ સંબંધી પ્રત્યભિજ્ઞાન ન થાય. કારણ કે તેવી પ્રતીતિ થતી નથી.
પૂર્વપક્ષ- કાપ્યા પછી ઉગેલા કેશ વગેરેમાં પણ આ તે જ વાળ છે એવું પ્રત્યભિજ્ઞાન થાય છે. આથી પ્રત્યભિજ્ઞાન શેય વસ્તુ પ્રત્યે વ્યભિચારી છે. (ફરી ઉગેલા વાળમાં “આ તે જ વાળ છે” એવું પ્રત્યભિજ્ઞાન થાય છે. પણ તે જ વાળ નથી. ફરી ઉગેલા બીજા વાળ છે. આથી ફરી ઉગેલા વાળને જોઇને થતું પ્રત્યભિજ્ઞાન વ્યભિચારી છે.) વ્યભિચારી હોવાથી પ્રત્યભિજ્ઞાન અપ્રમાણ બને. એક સ્થળે અપ્રમાણ બનવાથી બધા સ્થળે અપ્રમાણ બને.
ઉત્તરપક્ષ- એ પ્રમાણે નથી. જો કોઇ સ્થળે અપ્રમાણ અને તેના કારણે બધા સ્થળે અપ્રમાણ માનવામાં આવે તો પ્રત્યક્ષજ્ઞાન પણ ક્યાંય વ્યભિચારી બનતું હોવાથી સર્વ સ્થળે તેના અપ્રામાણ્યનો પ્રસંગ આવે.