________________ સત્કાર્યોની અનુમોદના કરી કરીને પ્રસન્નતાની લ્હાણી કરશો તો તમને પણ વાતાવરણ પ્રસન્નતાનું જ મળશે. બીજાને પ્રસન્નતા આપનારને અપ્રસન્નતા નહીં, પ્રસન્નતા જ મળે. એક વાર આ સિદ્ધાંતને પ્રયોગમાં લાવી જુઓ. પરિણામ ચોક્કસ મળશે. “બસ, મારાથી શક્ય હશે તે રીતે મારે સૌની પ્રસન્નતામાં નિમિત્ત બન્યા જ રહેવું છે' - આવો સંકલ્પ અને તદનુસારી જો તમારી પ્રવૃત્તિ-દિનચર્યા વગેરે ગોઠવાશે તો તમારી આજુબાજુની પરિસ્થિતિ પણ તેવા પ્રકારની જ નિર્માણ પામશે કે ગુસ્સો કરવાના નિમિત્તો જ તમને નહીં મળે. આ રીતે, ગુસ્સો આવવાના કારણોનું મૂળ ખૂબ બારીકાઈથી તપાસો. સહેજ પ્રતિકૂળ વ્યવહાર સામેવાળો કરે કે તરત બંદલો વાળવાની વૃત્તિ જન્માવવાને બદલે, ક્રોધને પરવશ થવાને બદલે તેનું મૂળ તપાસો કે કયા કારણે આ વ્યક્તિને મારા પ્રત્યે પ્રતિકૂળ થવું પડ્યું? લગભગ પ્રસંગોમાં તમે આ વિચારણા દ્વારા બચી શકશો, ગુસ્સાથી છૂટી શકશો. જ્યારે સામેવાળાના પ્રતિકૂળ વ્યવહારની પાછળ કોઈ દેખીતું કારણ ન દેખાય ત્યારે છેલ્લે પોતાના કર્મને જ દોષ આપવાનું રાખો, ગુસ્સો ઓછો થઈને જ રહેશે. “પૂર્વ જન્મોમાં મેં પ્રતિકૂળ વ્યવહાર કરી પાપ કર્મ બાંધ્યું હશે, તેના પ્રતાપે જ આ મને હેરાન કરી શકે છે. જો મેં કર્મ ન બાંધ્યું હોત તો કોઈની શું મજાલ છે કે મને હેરાન કરી શકે ?" - આવી વિચારણાને વેગવંતી બનાવી કર્મને જ આરોપીના પાંજરામાં ગોઠવવા દ્વારા તમારા ગુસ્સાને સામેવાળી વ્યક્તિ પ્રત્યે કેન્દ્રિત કરવાના બદલે ખુદ તમારા કર્મો તરફ જ કેન્દ્રિત કરો. ત્યાં તમારા ગુસ્સાનું જોર સ્વાભાવિક રીતે ઓસરી જશે. રૂટ પોલિસીનું તાત્પર્ય આ જ છે. ટૂંકમાં, રૂટ પોલિસીને અજમાવવા માટે ચોવીસે કલાક મનમાં આ વાક્ય ઘુંટતા રહો કે “જે કારણોથી મને ગુસ્સો આવે છે, તે કારણોના મૂળને મારે તપાસવું છે.” જો આટલું પણ કરવામાં આવશે તો અવશ્ય ગુસ્સો રવાના થશે, ક્ષમાની મસ્તી માણવા મળશે. વધુ તો અનુભવે જ સમજાશે. 29