________________ અમદાવાદથી મદ્રાસ કે મિઝોરમ જવા નીકળેલા માણસના રસ્તામાં એક પણ ડાયવર્ઝન ન જ આવે ? કે આવે ? તે ખૂબ લાંબી મુસાફરી છે. માટે, ડાયવર્ઝન તો આવવાના જ. પણ, એ ડાયવર્ઝન કેટલા કિલોમીટરના હોય ? 100, 150, ર૦૦ કિ.મી.ના કે પછી 10-20 કિ.મી. ના ? અને એટલે જ ડાયવર્ઝન તમને ખટકે કે સ્વાભાવિક લાગે ? અનાદિ કાળથી મોક્ષની મુસાફરીએ આપણે સહુ નીકળ્યા છીએ. એમાં આ મનુષ્યભવરૂપી નેશનલ હાઈવે ઉપર અત્યારે આપણી ગાડી ચાલી રહી છે. એમાં જે દુઃખો આવે છે તે ડાયવર્ઝન જેવા છે. બહુ નાનો પટ્ટો છે. શાંતિથી, હાયવોય કર્યા વગર એટલો પટ્ટો પસાર કરી દો પછી અસંખ્યકાળનું દેવલોકનું અને ત્યાર બાદ અનંતકાળનું મોક્ષનું સુખ હાજર જ છે. જેમ ડાયવર્ઝનના સમયે ગાડી સાચવીને ચલાવવી પડે છે, તેમ દુઃખના સમયે મનને સાચવી લેવાનું છે. ડાયવર્ઝનને છોડી દો તો મંઝિલ મળે તેવી શક્યતા નથી. ઉપાય એ છે કે ડાયવર્ઝનને સાચવીને પસાર કરી દો. તેમ દુઃખથી ભાગતા જ રહેશો તો મોક્ષ મળી નહીં જાય. પણ દુઃખને જો સમતાભાવે સહન કરશો તો મોક્ષ મળે તેવી શક્યતા છે. 386