________________ થઈ જાય તેવી વેદનાઓને સામે ચાલીને સ્વીકારી લીધી. હવે આ આત્મા કષાયોને પ્રવેશ આપવાના પાપે પરમાધામીના હાથનો માર નરક ગતિમાં ખાશે, તિર્યંચ ગતિમાં પાછો પોતાના માલિકના હાથનો માર સહેશે, કેવા કેવા ભયાનક દુઃખોનો એ શિકાર બનશે !! વધુ દુઃખ એ થાય છે કે પાયમાલી લાવનારા ક્રોધાદિ કષાયોની આગને અંદર પ્રવેશ આપ્યા પછી પણ આ આત્માને કશોય ઉકળાટ અનુભવાતો હોય - તેવું પોતે માનતો જ નથી. એ તો ક્રોધને પોતાની સફળતાની ચાવી માની બેઠો છે. એને તો ગુમાન છે કે - જોયું !... ગુસ્સો કર્યો તો દીકરાએ આ વાત માની, ગુસ્સો કર્યો તો ઊઘરાણી સમયસર આવી. ગુસ્સો કર્યો તો પત્ની સીધીદોર થઈ ગઈ, ગુસ્સો કર્યો તો નોકરો સમયસર આવે છે. આવા-આવા ગુમાનોને મગજમાં લઈને ફરનાર વ્યક્તિ જેવો મૂર્ખ બીજો કોણ હોઈ શકે ? એ કષાયોની આગનો પારો ફક્ત આત્માને જ નહીં, શરીરને પણ ભારે નુકસાન કરે છે - એ વાત આજના આધુનિક વિજ્ઞાને સિદ્ધ કરી દીધી છે. પણ એ મૂર્ખ આત્મા આ વાતને સ્વીકારવા જ તૈયાર નથી. ભૂતકાળમાં કષાયોના પ્રતાપે સહેલા દુઃખોને તો એ સ્વીકારવા તૈયાર જ નથી થતો. અને ભવિષ્યમાં તેવા પ્રકારના દુઃખો સહેવા પડશે - તેવી શ્રદ્ધા પ્રકટતી નથી. વર્તમાનમાં પુણ્યની આડશમાં દુઃખો ઢંકાઈ જાય છે. કદાચ દુઃખ આવે તો ય આ ગુસ્સાને કારણે આવ્યા છે - તેવું અંદરથી સ્વીકારવા હરગીઝ તૈયાર નથી થતો. રોગને દૂર કરી શકાય, જો દર્દીને તે રોગ રોગ લાગતો હોય, હેરાન કરનાર લાગતો હોય. કાંટાને દૂર કરી શકાય, જો વ્યક્તિને તે કાંટો કાંટો લાગતો હોય, પગમાં ખૂંચતો હોય. પણ જેને રોગ કે કાંટો કશું ખૂંચતું જ નથી, તે રોગ અને