________________ આ બધી એક પ્રકારની વેરની ગાંઠ છે. કાયમ ઓછું જ જેને લાગતું હોય તે વ્યક્તિને જ આવી તુચ્છ મનોવૃત્તિઓ પીડતી હોય છે. આના માટે સૌ પ્રથમ સ્વભાવ સુધારવો અનિવાર્ય છે. સ્વભાવ સુધારશો તો જ સદગતિ શક્ય બનશે. સ્વભાવ જો ખરાબ જ હશે તો સદ્ગતિ થાય તેવી કોઈ શક્યતા નથી. સ્વભાવની વિચિત્રતા ગમે તેટલી કઠોર સાધનાને એક વાર કોડીની કરી મૂકે છે. આથી, હવે અભ્યાસ પાડો. લક્ષ્મપૂર્વક કોઈના નબળા વ્યવહારોને ભૂલી જવાનું શરૂ કરો. હંમેશા સારા વ્યવહારને યાદ રાખી નબળા વ્યવહારને દલાલી ખાતે માંડી દેવાનું યાદ રાખો. સારા વ્યવહાર જો યાદ રાખશો તો સદેહે સ્વર્ગનો અનુભવ થશે. જે આ ભવમાં સ્વર્ગની અનુભૂતિ કરી શકે તેને જ પરભવમાં ઉત્તમ સ્વર્ગ મળી શકે. જે આ ભવમાં પણ બીજાના નબળા વ્યવહારોને યાદ રાખી તેની સાથે નરકનું જ નિર્માણ કરતો હોય, સ્વયં ભીતરમાં નરકની જ અનુભૂતિ કરતો હોય તેના માટે પરભવમાં પણ નરક જ નિર્માયેલી છે. નોકર વગેરેની ભૂલને ભૂલવા જતા તે બગડી જશે - આવી ભીતિ રાખવાની જરૂરત નથી. એક વાર શુભ ભાવથી તેની ભૂલને માફ કરતા શીખો. પછી જુવો, તેનામાં પણ પરિવર્તન અનુભવાશે. ઘણી વાર તો નોકરની ભૂલને જોઈ તેને ઠપકો જ આપ્ટે રાખવાની વૃત્તિ દુન્યવી રીતે પણ નુકસાનકારી નીવડી શકે છે. સમયસર ન આવવા બદલ તમે આપેલો ઠપકો, નકામો સાબિત થઈ શકે છે, જો ઘરાક જ ન આવે તો. ધારો કે ગુસ્સો કરવાથી નોકર વહેલો આવે છે. પણ, નોકર ઉપર ગુસ્સો કરી બાળી નાંખેલા તમારા પુણ્યના લીધે કોઈ ઘરાક જ મોડે સુધી ન આવે તો નોકર સમયસર આવે તેનો મતલબ ખરો ? કર્મસત્તા અજબ છે. એના ખેલ નિરાળા છે. ક્યારે, કોનો, કઈ વાતનો બદલો કોની સાથે કેવી રીતે વાળે ? તે જોવું-જાણવું આપણા જેવા માટે સરળ નથી. માટે, સર્વત્ર પુણ્યને બચાવવા જેવું છે. જો કે આત્મા જ આપણા સહુ માટે રક્ષ્ય છે. પણ, તે રક્ષા આખરે તો શુભ પુણ્યને જ આધીન છે ને ! સંક્લેશથી પુણ્યને બાળનારો આત્માને શું સાચવવાનો? 212