________________ જો વચન સારા જ બોલશો તો કદાચ મનમાં ક્રોધ જાગ્યો હશે. છતાં તે મનમાં જ સમાઈ જશે. મનનો ક્રોધ વચન અને કાયામાં ન પ્રગટે તે જેવો તેવો ફાયદો નથી. કૂવાનો પડછાયો જેમ કૂવામાં સમાઈ જાય તેમ જો ખરાબ શબ્દોનો ટેકો મનના ગુસ્સાને નહીં આપો તો મનનો ગુસ્સો મનમાં સમાઈ જ જશે. પછી, મનમાં પણ ઉપશમભાવ પ્રગટી જશે. કિંતુ જો મનમાં ગુસ્સો ન હોવા છતાં પ્રવૃત્તિમાં ગોટાળા કરીએ, કડવા શબ્દો બોલીએ તો મનમાં પણ ગુસ્સો આવ્યા વિના રહે નહીં. માટે કડવા શબ્દો તો બોલવા જ નહીં. બોલવા હોય તો મીઠા શબ્દો જ બોલવા. ઘરમાં તોફાની છોકરો હોય એને શાંત કરવા માટે મા એના વખાણ કરે - “બેટા ! તું તો બહુ ડાહ્યો છે. તારાથી આવું કરાય ?..." એમ કરતાં કરતાં દીકરો સુધરતો જાય. પણ જો એના ઉપર ગુસ્સો કરે કે - “અલ્યા! તારા જેવો તોફાની કોઈ જોયો નથી” તો તો એ વધુ તોફાને ચડે. વધારે ને વધારે તોફાની થતી જાય. જો જીભમાં સુગર ફેક્ટરી ખોલેલી હોય તો દીકરો પણ સુધરે, પત્ની વગેરે બધાં સુધરે. પણ, જો જીભમાં તીખા તમતમતા મરચાની ફેક્ટરી જ ખોલેલી હોય તો સગો દીકરો પણ ન સુધરે. આડોશી-પાડોશી તો ક્યાંથી સુધરવાના? એવી કડવી વાણીથી તો કહ્યાગરા દીકરા પણ ઉશ્રુંખલ થઈ જવાના. આજ કાલ દવાના પ્રિસ્ક્રીપ્શનની સાથે ડોક્ટરો લખી આપે છે - નો ટેન્શન !! ઉકળાટભર્યા કડવા શબ્દો, આક્રોશ અને આવશભર્યા શબ્દો એ ટેન્શનના સૂચક છે. જો તમારા મોઢામાંથી કડવા શબ્દો નીકળતા હોય તો માનવું કે તમારા મગજમાં ટેન્શન ભર્યું પડ્યું છે. અથવા તો ટેન્શન હવે આવવાનું છે. કારણ કે કડવા શબ્દો બોલનાર ટેન્શનથી ઘેરાયા વિના રહેતો નથી. ટેન્શનથી લગભગ કડવા અને તીખા જ શબ્દો મોઢામાંથી નીકળતા હોય છે. તેના દ્વારા તન પણ બગડે અને મન પણ બગડે. આજુબાજુનું વાતાવરણ પણ બગડે. જો મીઠા શબ્દો બોલતા આવડે તો તને પણ સુધરે અને મન પણ સુધરે. આજુબાજુનું વાતાવરણ પણ મીઠું મધુરું થઈ જાય. 310