________________ રાખથી ઢંકાઈ ગયો. મિત્રો બધાં અવાક થઈ ગયા. સહુના મોંઢામાંથી એક જ ઉદ્ગાર નીકળ્યા - “આ શું ?' પણ સોક્રેટીસે હકારાત્મક વિચારસરણી જ રાખવાનું નક્કી કરી લીધું હતું. એટલું જ નહીં, એણે આ સંકલ્પને સાકાર કરી જીવનમાં પણ વણી લીધો હતો. એણે આખા પ્રસંગને ખૂબ જ હળવાશથી લઈ મિત્રોને કીધું - “અત્યાર સુધી વાદળનો ગડગડાટ થતો હતો. હવે વરસાદ પડ્યો !" આટલી હદની હકારાત્મક વિચારસરણી જો આત્મસાત્ કરતા આવડે તો ઘણાં સંક્લેશો ઓછા થઈ જાય. ઉો મા એક વાત સમજી રાખવા જેવી છે કે - કર્મની સામે, કષાયોની સામે, ક્રોધની સામે મર્દાનગી વાપરવા જેવી છે. કર્માધીન વ્યક્તિની સામે નહીં. કર્મને ખતમ કરવામાં સાચી બહાદુરી છે. કર્માધીન વ્યક્તિને ખતમ કરવામાં, તેને સંભળાવી દેવામાં સાચી મર્દાનગી નથી. માટે, જ્યારે પણ સામેવાળી વ્યક્તિ તરફથી દુર્વ્યવહાર થાય ત્યારે તેને હકારાત્મક રીતે લેવાની ટેવ પાડવી. કારણ કે કર્માધીન બનીને એ બિચારો આક્રોશ કરી બેઠો છે. તો તેની સામે ક્રોધ કરી કર્માધીન થઈ તમારે પણ “બિચારા' થવું છે ? એના દુર્વ્યવહારને જો તમે હકારાત્મક રીતે લઈ શકતા હો તો જ સમજવું કે ખરી મર્દાનગી તમારી પાસે છે. બાકી, બીજાની સામે બાંયો ચડાવવામાં લેશ પણ બહાદુરી નથી. તુકારામજી શેરડીનો પાક લેવા માટે ખેતરે ગયા. આખું ગાડું ભરાય એટલી શેરડી ખેતરમાં આવી હતી. ખૂબ જ સારો પાક થયો હતો. શેરડીનું ગાડું ભરી તુકારામજી ઘર તરફ આવવા નીકળ્યા. રસ્તામાં જ એક બાળક મળ્યો. કાલી ઘેલી ભાષામાં એણે તુકારામજી પાસે માંગણી મૂકી - “કાકા...કાકા... મને એક શેરડી આપો ને !' તુકારામજી તો ભગવાનના માણસ. એમાં આ તો નિર્દોષ... નિખાલસ... બાળક ! બાલસ્વરૂપ ભગવાન તરીકે જ એના દર્શન થયા. તુકારામજીએ પ્રેમથી એક સાંઠો કાઢી બાળકને આપી દીધો. બાળક તો રાજી-રાજી થઈ ગયો. એ બાળક જતા જતા રસ્તામાં જે બાળક મળતું જાય તેને વાત કરતું જાય. 175