________________ 15 ગૌતમ બુદ્ધ એકવાર સભામાં પ્રવચન કરી રહ્યા હતા, ત્યાં એક વ્યક્તિ સભામાં આવી ઉશ્કેરાટમાં ભારે અપશબ્દો બોલવા લાગ્યો. સભામાં બધાની હાજરીમાં ગૌતમ બુદ્ધની ઠેકડી ઉડાડવા લાગ્યો. અપમાન કરવા લાગ્યો. પ્રવચન સભામાં બેઠેલા બધાં સમસમી ગયા. પણ, ગૌતમ બુદ્ધ એ જ શાંત અને સ્વસ્થ મુદ્રામાં છે. આનંદ સહિતના બધા શિષ્યો પણ ઊંચા-નીચા થઈ ગયા. જો ગૌતમ બુદ્ધ તરફથી કંઈ પણ ઈશારો મળે કે સંમતિસૂચક હાવભાવ જોવા મળે તો બધાં એ માણસની હાલત બગાડી નાખે. પણ, ગૌતમ બુદ્ધ તો એ જ સ્વસ્થ અને શાંત મુદ્રામાં હતા. ઊલટું એમને જોઈ આનંદ વગેરેનો ગુસ્સો પણ શમવા લાગ્યો. પણ, એ માણસને તો જાણે કંઈ પડી જ નથી. ગૌતમ બુદ્ધ તરફ અપશબ્દોનો મારો તેણે તો ચાલુ જ રાખ્યો. કેટલીક વાર થઈ અને આખરે એ થાક્યો. કારણ કે તાળી બે હાથે પડે. અહીં તો આટઆટલા અપશબ્દો બોલવા છતાં સામેથી કશી જ પ્રતિક્રિયા નથી દેખાતી. જાણે દીવાલ સામે પોતે બોલબોલ કરી રહેલ હોય તેવું લાગતું હતું. એની મેળે એ ભાઈનો ગુસ્સો શમી ગયો, ઓસરી ગયો. 130