________________ કડીથી છોડાવવા માટે મહારાજ સાહેબે સંઘમાળના દિવસે વ્યાખ્યાનમાં વાત મૂકી કે - “સ્ટીમર ગમે તેટલી મોટી હોય છતાં તેમાં પડેલ એક કાણું પણ આખી સ્ટીમરને જેમ ડૂબાડી શકે છે, ગમે તેટલા સ્વાદિષ્ટ ગુલાબજાંબુમાં રહેલી કાંકરી જેમ તેને બેસ્વાદ બનાવી શકે છે, તેમ જીવનમાં ગમે તેટલાં ગુણો હોય પરંતુ જીવનમાં પેસી ગયેલો એક દોષ જીવનને બેકાર અને બેસ્વાદ કરી મૂકે છે.” મહારાજ સાહેબની આ પ્રેરણા એ ભાઈને સ્પર્શી ગઈ. એમણે પણ સિદ્ધાચલ ઉપર પોતાની નબળી કડી છોડી દેવાનું નક્કી કર્યું. વારે વારે નાના નાના પ્રસંગોમાં અત્યંત ગુસ્સે ભરાઈ જતા એ ભાઈએ પ્રતિજ્ઞા કરી કે - “આ પળથી હવે મારામાં ગુસ્સો ન હોય. જો ક્રોધ કરી બેઠો તો ચોવિહાર ઉપવાસ દંડ તરીકે કરવો.' એ ભાઈએ ઉછળતા ઉલ્લાસ સાથે અને દ્રઢ મનોબળ સાથે કરેલી પ્રતિજ્ઞા સાંભળીને આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. સહુ એ ભાઈના સ્વભાવને સારી રીતે ઓળખતા હતા. કેટલાંકને એ ભાઈ માટે આ પ્રતિજ્ઞા પાળવી અશક્ય લાગી. એ ભાઈ માટે ખરેખર આ પ્રતિજ્ઞાનું પાલન મુશ્કેલ હતું. સંઘ હેમખેમ પૂરો થઈ ગયો. સૌ પોતપોતાના ગામે પાછા વળ્યાં. એ ભાઈ પણ પોતના ઘરે પાછા ફર્યા. આખા ગામમાં આ સમાચાર ફેલાઈ ગયા હતા કે આ ભાઈએ ગુસ્સો ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એ ભાઈના ભત્રીજાના કાનમાં પણ આ વાત આવી. પહેલા તો એને માનવા જેવું ન લાગ્યું. છતાં દરેકના મોઢે એ વાત સાંભળ્યા બાદ તે વાત સ્વીકારવી જ પડી. એણે પોતાના કાકાને ચોવિહાર ઉપવાસ કરાવવાનું મનથી નક્કી કર્યું. એક દિવસ ભત્રીજાએ કાકાએ કઢાવેલા સંઘનિમિત્તે સગા-સ્નેહી-સ્વજનોનું જમણ ગોઠવ્યું. તમામને આમંત્રણ પત્રિકા પણ મોકલી. પરંતુ પોતાના કાકાને ગુસ્સે કરાવવા માટે જાણી જોઈને તેમને આમંત્રણપત્રિકા ન મોકલી. સ્વજનોમાં ચાલતી વાતચીતના આધારે કાકા-કાકીને ખબર પડી કે આપણા ભત્રીજાએ જમણવાર ગોઠવ્યો છે. કાકી તો ધુંવા-ફુવા થઈ ગયા. કાકાને વાત કરી - ‘તમને ખબર પડી કે ભત્રીજાએ તો જમણવાર ગોઠવ્યો છે ?