________________ આપણને આમંત્રણ પણ નથી મોકલ્યું ? હવે એ જમણવારમાં જાય એ બીજાં. જો ભૂતકાળની વાત હોત તો કાકા પણ ધુંવા-ફુવા થઈ ગયા હોત. પણ હવે તો કાકા ધરમૂળથી બદલાઈ ગયા હતા. જ્યાં પહેલાં રગેરગમાં ક્રોધ વસતો હતો ત્યાં અત્યારે ક્ષમા આવી ગઈ હતી. હવે તો ક્રોધ અને તેમના વચ્ચે લાખ્ખો જોજનનું અંતર પડી ગયું હતું. કાકાએ શાંતિથી કાકીને વાત કરી - “તું પણ ગજબ છે. આપણે પારકાં થોડાં છીએ કે આપણને આમંત્રણ આપવાનું હોય? આપણે તો વગર આમંત્રણે જ પહોંચી જવાનું હોય. ઘરનાને થોડું આમંત્રણ હોય ?' આ વાત સાંભળીને કાકી તો ઘડીભર સ્તબ્ધ થઈ ગયા. પલભર તો એ સમજી જ ન શક્યા કે આ કોણ બોલે છે ? પહેલી વાર કાકાના મોઢે આવી વાત સાંભળવા મળી હતી. આખરે કાકીએ કાકાની વાત સ્વીકારવી જ પડી. જમણવારનો દિવસ આવી ગયો. કાકા તો સમયસર તૈયાર થઈ ગયા. પણ કાકીના મનમાં હજુ ગડમથલ ચાલતી હતી. એમનું મન હજુ અવઢવમાં હતું. પરંતુ જ્યારે કાકાએ જવાનું નક્કી કરી લીધું હતું, ત્યારે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો. બંને જણા સમયસર જમણવારની જગ્યાએ પહોચ્યા. દૂરથી જ દેખાતું હતું કે ભત્રીજો દરવાજે બધાનું સ્વાગત કરતો હતો, સહુને મીઠો આવકાર આપતો હતો. પણ, જેવી એની નજર કાકા ઉપર પડી કે તરત જ તે અંદર ચાલ્યો ગયો. કાકીની નજરમાં આ વાત તરત જ પકડાઈ ગઈ. કાકાએ પણ એ જોયું. કાકીએ તો ત્યારે ત્યાં જ કાકાનો હાથ પકડી પાછા જવા માંડ્યું. કાકાએ કીધું - કેમ પાછા જવું છે ? થયું શું ? એ તો કહે - કાકી તો આ પ્રશ્ન સાંભળી છંછેડાઈ જ ગયા. અને જવાબ આપ્યો કે- “એવડો એ ભત્રીજો હમણાં જ તમારું અપમાન કરી ગયો એ તમને ન દેખાયું ?' કાકાએ કીધું કે “આમાં અપમાન ક્યાં થઈ ગયું ?' કાકીએ કીધું - “બધાનું સ્વાગત કરતો હતો અને તમને જોઈને અંદર ચાલ્યો ગયો એ અપમાન નહીં તો બીજું શું?' 265