________________ એમને એક કીમિયો સૂઝી આવ્યો. એમણે જાહેરમાં બેસવાનું બંધ કરી દીધું. ઉપાશ્રયમાં એક અલાયદી ઓરડીમાં જ બેસવાનું ચાલુ કર્યું. લગભગ જનસંપર્ક એમણે ટાળી દીધો. ક્રોધના જે જે પણ નિમિત્તો હતા તે બધાંથી આચાર્ય મહારાજ દૂર રહેવા લાગ્યા. ક્રોધ કરી શકાય તેવું કોઈ નિમિત્ત કે વ્યક્તિ જ ન રહેતા ક્રોધ ધીરે ધીરે ઘટવા લાગ્યો. હા ! પ્રકૃતિ મટી ન હતી. પણ, ક્રોધ પ્રકટ થતો બંધ થઈ ગયો. એક વાર આટલું કાર્ય પણ થઈ જાય તો પછી ક્રોધનો મૂળથી નાશ કરવો પણ સરળ થઈ પડે. આ સેફ્ટી પોલિસીને એ આચાર્ય મહારાજે બરાબર અપનાવી લીધી. એટલે જ આચાર્ય મહારાજ એ ભવે મોક્ષમાં પણ પધાર્યા. આપણી વાત તો એટલી જ છે કે ક્રોધથી બચવા માટેનો આ બહુ સારો ઉપાય છે કે ક્રોધના નિમિત્તોથી પણ દૂર જ ભાગતા રહેવું. ક્રોધ ઉત્પન્ન જ ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવી. જ્યારે લાગે કે મારું મન ઠેકાણે નથી ત્યારે કોઈની પણ સાથે વાતચીતવ્યવહાર કરવો જ નહીં. ટૂંકમાં, અનંત કાળની બરબાદી નોતરનાર આ ક્રોધને ગમે તે ભોગે હવે કાઢે જ છૂટકો - આવો દૃઢ સંકલ્પ થયા બાદ આ સેફ્ટી પોલિસી અપનાવી જુઓ. ક્રોધ દૂર થઈને જ રહેશે. સેટી પોલિસી એટલું જ કહેવા માંગે છે કે - “સંસારમાં સલામતીને જ સદા માટે આગળ કરીને ડગલું ભરનાર ઓ માનવ ! અધ્યાત્મજગતમાં મૃત્યુને લાવનાર ક્રોધના ભયથી શા માટે ક્રૂજતો નથી ? શા માટે ક્રોધથી બચવા માટેના, સલામતીના કોઈ પગલા ભરતો નથી ? શા માટે ક્રોધના નિમિત્તોથી દૂર ભાગતો નથી ? શું અનંત કાળના નરકના દુઃખો તને બહુ ગમી ગયા છે ?' સેફ્ટી પોલિસીના આ સંદેશાને અપનાવી જલ્દીથી આત્માની સેફ્ટી કરી લો એ જ કામના ! 323