________________ અણગમો-દ્વેષ-તિરસ્કારનો પરિણામ હશે તો તેના ઉપરનો ગુસ્સો ખતરનાક હશે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ ધિક્કારપાત્ર અને તિરસ્કારપાત્ર લાગશે તો તેના ઉપર તમે અંદરથી જ ગુસ્સો કરશો કે જે અત્યંત ખતરનાક હશે. ક્રોધને આવા પરિણામ સાથે તો દોસ્તી છે. જ્યાં સુધી કોઈ જીવ પ્રત્યે આવો પરિણામ આત્મામાં હશે ત્યાં સુધી ક્રોધ પણ હોવાનો જ. કારણ કે ક્રોધને અને ધિક્કારના પરિણામને તો અજબ જુગલબંધી છે. જેની ઉપર ક્રોધ કરી રહ્યા છો તે વ્યક્તિ ઉપર પણ પૂજ્યભાવ કે છેવટે મૈત્રીભાવ તો હોવો જ જોઈએ. અર્જુન માળી-દઢપ્રહારી જેવા તે જ ભવે મોક્ષમાં જઈ શકતા હોય તો સામેવાળી વ્યક્તિ તમારા કરતાં વહેલા મોક્ષમાં જનારી હોય તેવી શક્યતા પૂરેપૂરી છે. તો પછી શા માટે તેના ઉપર ધિક્કારનો પરિણામ, તિરસ્કારનો ભાવ રાખવો ? ક્રોધના આ 7 ભાઈબંધોને મુખ્યતયા છોડતા જાઓ, છોડતા જાઓ. ધીરે ધીરે ક્રોધ નિર્માલ્ય અને નિષ્ક્રિય થતો જશે. ક્રોધને પોતાનું ધાર્યું કરવામાં રસ છે. માટે ઉપરોક્ત 7 મુદ્દામાં તમને એ સફળ નહીં થવા દે. પણ તમને જો દેવ-ગુરુનું ધાર્યું કરવામાં રસ હશે તો તમે ચોક્કસ સફળતાને વરશો. ક્રોધ કદાચ ભલે હમણાં ને હમણાં તમે પૂરેપૂરો છોડી ન શકો. પણ, એના મિત્રોથી તો એને છૂટો પાડી દો. પછી તે લાંબું નહીં ખેચે ! અંગ્રેજોએ જેમ રાજાઓને અંદર અંદર છૂટા પાડી સહુને ખતમ કરી દીધા. તેમ ક્રોધને તેના મિત્રોથી છૂટા પાડી તેને અંદરથી જ ખોખલો કરી દો. પછી તેનો વિનાશ હાથવેંતમાં જ હશે. ટૂંકમાં, આ પોલિસી એટલું જ કહેવા માગે છે - “જો સીધી આંગળીએ ઘી ન નીકળે તો વાંકી આંગળીએ કાઢવું પડે. તેમ ક્રોધ સીધે સીધો છૂટી ન શકતો હોય તો પણ આ 7 મુદ્દા અપનાવી લો, ક્રોધે વિદાય લીધે જ છૂટકો !" ચલો ! “ભાગલા કરો અને રાજ કરો' - આ નીતિને અધ્યાત્મજગતમાં આત્મસાત્ કરી મુક્તિરાજને ઝડપથી મેળવીએ ! 288