________________ નફામાં કશો ફરક ન પડતો હોય ત્યારે બે ધંધામાંથી કયા ધંધાની પસંદગી કરો ? અત્તરના વેપારની કે કોલસાના ધંધાની ? સ્પષ્ટ "વાત છે કે વેપાર કરવો જ છે તો અત્તરનો કરવો. ઘરાક માલ માંગે અને માલ બતાવો. પછી ઘરાક માલ લે કે ન લે પણ અત્તરના વેપારીને તો સુગંધ મળ્યા વિના રહેતી નથી. જ્યારે કોલસાના વેપારીના હાથ કાળા થયા વિના રહેતા નથી. ટૂંકમાં, કલ્યાણ/લાભ અત્તરનો વેપાર કરવામાં છે, કોલસાનો વેપાર કરવામાં નહીં. તેમ આપણું જીવન પણ અત્તરના બિઝનેસ જેવું બનવું જોઈએ. જે પણ આપણી સમીપ આવે તે પ્રસન્ન પ્રસન્ન થઈ જવો જોઈએ. ક્ષમાની સુવાસ, મીઠા શબ્દોની સુવાસ તેને તરબતર કરી દે - તેવું વાતાવરણ તમારામાંથી સર્જાતું હોવું જોઈએ. જો ગુસ્સાખોર સ્વભાવ હશે તો તમે પણ કાળા થશો અને તમારા સાન્નિધ્યમાં આવનાર પણ કાળો થશે, તે પણ અપ્રસન્ન થશે. જેટલી ક્ષમા વિકસાવશો, તેટલી સહુને સુવાસ મળશે. જેટલી ક્રોધની શક્તિ વિકસશે, તેટલા જ પ્રમાણમાં સહુ અપ્રસન્નતાને મેળવશે. તમારું જીવન કાળા કોલસા જેવું નહીં, પણ અત્તર જેવું બનાવવું જોઈએ. 243