________________
પત્રાંક-૬૪
મુંબઈ, આસો વદ ૩, રવિ, ૧૯૫૧ પત્ર મળ્યું છે.
અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે, કિવા થવી કઠિન પડે; તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારના દ્રવ્ય-ક્ષેત્રાદિ ઉપાસવાં; સાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અભ્યસ્ત એવી મુમુક્ષતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી.
સહજાત્મ સ્વરૂપે પ્રણામ.
૬૪૪. “અંબાલાલભાઈ' ઉપરનો પત્ર છે.
પત્ર મળ્યું છે. અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે...” પરિણતીનો વિષય ચાલે છે. અનાદિનો જીવને વિપરીત અભ્યાસ છે એટલે પરપદાર્થથી લાભ, પરપદાર્થથી શાંતિ, સુખ, પરપદાર્થથી મને અનુકૂળતા એ વગેરે વિપરીત અભ્યાસ અનાદિનો છે. અને તેથી તેમાં નિરસ પરિણામ. વૈરાગ્ય એટલે નિરસ પરિણામ અને ઉપશમ એટલે રસ વગરના પરિણામ અથવા શાંત પરિણામ. અશાંત પરિણામ, આકુળતાવાળા નહિ. ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે એવી પરિણતિ અભ્યાસ થશે, થોડા લાંબા અભ્યાસે થશે. એકદમ ન થઈ શકે. કિવા થવી કઠિન પડે.” અથવા મુમુક્ષુની ભૂમિકામાં થવામાં કઠણ લાગશે. તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખે અવશ્ય સિદ્ધિ થાય છે. એ પોતાને ખ્યાલ છે કે અનાદિ જેનો ઊંધો અભ્યાસ છે એને એ પરિણતિ થવી કઠણ છે. તોપણ જેનો એ ભાવો પ્રત્યે લક્ષ છે અથવા એવી પરિણતિ કરવાની જેની ભાવના છે એને અવશ્ય તેની સિદ્ધિ થાય છે. એ સફળ થાય જ છે. ન સફળ થાય એવું કાંઈ નથી. એટલે અશક્ય નથી. વિપરીત અભ્યાસને લીધે જરા કઠણ જરૂર છે પણ અશકય છે એવું તો નથી. એની “અવશ્ય સિદ્ધિ થાય છે.”