________________
૩૯૯૨
રાજહૃદય ભાગ-૧૩ મુમુક્ષુ:- તૃપ્ત થઈ ગયા.
પૂજ્ય ભાઈશ્રી - તૃપ્તિ થઈ ગઈ. સ્વરૂપમાં રમણતા થવાથી તૃપ્તિ થાય જ, ન થાય એવું બને નહિ. એટલે મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, મોક્ષની ભાવના નિવૃત્ત નથી થતી પણ ઇચ્છા નિવૃત્ત થાય છે.
ઇચ્છા અને ભાવનામાં શું ફરક છે? કે ભાવનામાં તો મોક્ષ થવાના પુરુષાર્થ સહિતની પરિણતિ વર્તે છે. એને ભાવના કહીએ. અને જેને પુરુષાર્થ નથી વર્તતો પણ માત્ર રાગ થયા કરે છે કે મને મોક્ષ મળે તો સારું. હું મોક્ષમાં જાઉ તો સારું, મોક્ષની પ્રાપ્તિ થાય તો સારું એવો વિકલ્પ, એવો કોરો રાગ તે ઇચ્છા છે.
મુમુક્ષુ - ઓલામાં વલણ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી - પેલામાં તો પ્રયત્ન-પુરુષાર્થ વર્તે છે. અને એ પુરુષાર્થને લઈને એકાગ્રતારૂપ નિશ્ચયભાવના પણ વર્તે છે. નિશ્ચયભાવના સહિતના મોક્ષના વિકલ્પને ભાવનાનો ઉપચાર આવે છે. ખરી ભાવના તો સ્વરૂપમાં એકાગ્રતા થઈ તે છે. પણ પછી જે મોક્ષ પ્રત્યેની ભાવના આવે એને ભાવના કહેવાનો ઉપચાર છે.
મુમુક્ષુ - પુરુષાર્થ મોક્ષનો ચાલે છે? પૂજ્ય ભાઈશ્રી:- હા. મુમુક્ષુ – પણ મોક્ષની ઇચ્છા નથી?
પૂજ્ય ભાઈશ્રી – ઇચ્છા નથી. અને એ પ્રકારે જેનો પુરુષાર્થ ચાલે એને જ મોક્ષની પ્રાપ્તિ થાય. અથવા જેની દૃષ્ટિ આત્મા ઉપર છે અને જેની દૃષ્ટિ વર્તમાન કે ભૂત-ભવિષ્યની એકેય પર્યાય ઉપર નથી. એને સાધકદશા હોય છે. સાધકદશામાં ભૂત-ભવિષ્ય-વર્તમાન કોઈ પર્યાય ઉપર દૃષ્ટિ ન હોય. ભવિષ્યની શુદ્ધ પર્યાયો ઉપરની ભાવના આવે એ ભાવના એટલા માટે કહેવાય કે સ્વરૂપમાં એકાગ્રતારૂપ ભાવના વર્તે છે માટે માટે એ ભાવનાને ભાવના કહેવાય છે. એમ ન હોય અને માત્ર વિકલ્પ થાય તો એમ કહેવાય કે આને રાગ છે, ઇચ્છા છે. પણ એ ઇચ્છા પણ નિવૃત્ત થઈ ગઈ છે.
સર્વોત્કૃષ્ટપદ તો મોક્ષનું છે. હવે એની પણ જ્યાં તમા નથી રહી, દરકાર નથી રહી. તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?' પ્રસન્ન થઈને તે બધાને મોક્ષ આપ છો. પણ હવે અમારે તો એની પણ કાંઈ ઇચ્છા રહી નથી. તો તું શું આપીશ ? એટલે અમે અમારા અખંડ સ્વરૂપની રમણતાથી તૃપ્ત થયા છીએ, એમ કહે છે.