________________
૨૭૬
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૯-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૭, ૬૭૮ પ્રવચન નં. ૩૦૩
પાનું-૪૯૫. પાંચમી લીટી છે. આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાનીપુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે,...' શું કહે છે ? બહુભાગે તો મુમુક્ષુજીવને ઉપકારભૂત થાય એવા પ્રકારનો ઉપદેશ જ્ઞાની કરે તો એમાં સંકોચ ન કરે, સંક્ષેપ ન કરે અથવા મોકળા મનથી, પ્રમોદભાવથી સ્વપર ઉપકારક એવી જ્ઞાનીપુરુષની વાણી ઘણું કરીને તો સંક્ષેપતાથી વર્તે નહીં. બહુભાગ તો આ પરિસ્થિતિ છે. કેમકે જ્ઞાનીપુરુષની ૫૨મ કારુણ્યવૃત્તિ બીજા જીવો, જગતના જીવો દુઃખથી મુક્ત થાય એવી પરમ કારુણ્યવૃત્તિ હંમેશાં વર્તે છે. તેમ છતાં કેટલાક કારણવશાત્ આવા પ્રસંગમાં પણ જ્ઞાની સંક્ષેપતાથી વર્તે છે એ વાત અહીંયાં સ્પષ્ટ કરવી છે. બહુભાગ તો એમ કરતા નથી, એમ થતું નથી. છતાં પણ ક્યારેક એવું થાય છે, તો ક્યારે થાય છે એ સ્પષ્ટ કરે છે. એના ઉપરથી એમ સમજવા યોગ્ય છે કે એવી સ્થિતિમાં જ્ઞાનીપુરુષના સમાગમમાં મુમુક્ષુએ ન રહેવું જોઈએ કે જેથી જ્ઞાનીપુરુષને પોતાના હિતની વાત કરવામાં સંક્ષેપ થઈ જાય.
પહેલું કારણ ફરીથી. આપણે પહેલું લેવાઈ ગયું હતું. ‘(૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશથી વિસ્તારથી કર્યે પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપ૫ણે પણ વર્તે છે;...’ બે પ્રકાર લીધા. એકના પેટાભેદમાં બે વાત છે કે, એક તો એ જીવ એવા સંયોગોને વિષે વર્તતો હોય કે જે સંયોગોને વિષે એને ઉપદેશ પરિણામી થાય એવા સંયોગો એ ન હોય.
જેમકે ઘણી ઉપાધિમાં ઘેરાયેલો હોય. ઉપાધિ સંયોગની કોઈ પ્રતિકૂળતાઓ અથવા ઘણા સંયોગની અનુકૂળતાઓના કાર્યમાં બહુ વ્યસ્ત હોય. એટલે ટૂંકમાં સંયોગાશ્રિત એવા તીવ્ર આકુળતાવાળા પરિણામની અંદર મુમુક્ષુજીવ વર્તતો હોય