________________
પત્રાંક-૬૫૫
૧૨૧ જીવ પૂરું કરી નાખે (તો) બહુ મોટા જોખમમાં ચાલ્યો જાય છે. એવડું મોટું જોખમ એણે વહોર્યું છે કે હવે શું થાશે એ કહેવું મુશ્કેલ છે. એની કેવી ગતિ થાશે અને કેવી સ્થિતિ થાશે ? એ કહેવું મુશ્કેલ છે. એટલે એવી પરિસ્થિતિમાં કોઈ એક તબક્કે મુમુક્ષુજીવ આવે છે કે જેની ઊંઘ હરામ થઈ જાય છે. જ્યાં સુધી મને મારા પરમતત્ત્વના દર્શન ન થાય, સાક્ષાત યોગ ન થાય ત્યાં સુધી મને કયાંય ચેન પડશે નહિ. એવી બેચેન અવસ્થાને દર્શનપરિષહ કહેવામાં આવ્યો છે. શાસ્ત્રમાં એને તીવ્ર દર્શનપરિષહ કહ્યો છે. અને એ દર્શનપરિષહમાંથી પસાર થયા પછી જીવ આત્મદર્શન પામે છે. ત્યાં સુધી કોઈને આત્મદર્શન થતું નથી. બધા જ ધર્માત્માઓની પૂર્વભૂમિકા આવી જ હોય છે. કોઈની બીજી રીતે હોય એવું બનતું નથી. અને ત્યાં સુધી બીજા લગવાડ અને બીજા રસ છે એ ઘટતા નથી, યથાર્થ પ્રકારે છૂટતા પણ નથી. (અહીં સુધી રાખીએ.)
પક્ષાંતિક્રાંત થવા માટે આત્માર્થી જીવ સ્વરૂપ લક્ષે થતા વિકલાની પણ ઉપેક્ષા કરે છે. જેથી સ્વાનુભવ યોગ્ય સ્થિતિ થાય છે. - આ સિદ્ધાંતથી સ્વતઃ સિદ્ધ થાય છે કે આત્માર્થી જીવ તે પહેલાં સર્વ અન્ય દ્રવ્ય-ભાવથી સારી રીતે ઉદાસીન થયેલો હોય છે.
તેથી, જ્યાં સુધી આત્માર્થીની ભૂમિકામાં અપેક્ષાભાવ રહ્યા કરે ત્યાં સુધી પરમાર્થ માર્ગમાં આગળ વધી શકે નહિ. પરની અપેક્ષાવૃત્તિ જ જીવને સ્વરૂપ પ્રતિ – અંતર્મુખ વળવામાં રૂકાવટ કરે છે. જેથી જે જીવ અંતરમાં વળવા ઈચ્છે છે, તેણે પોતાની પર - અપેક્ષિત વૃત્તિને મટાડવી ઘટે છે. પર અપેક્ષિત વૃત્તિ સ્વયં દીન ભાવ છે, જે સ્વર્યના અનંત સામર્થ્યનો અનાદર ભાવ છે.
(અનુભવ સંજીવની-૧૫૦૫)