________________
પત્રાંક-૬૮૭
૪૫૯ છે કે એક તો જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? અને ઓળખવા હોય તો કયા લક્ષણો જણાય તો ઓળખાય ? આ બે પ્રશ્ન છે. એ બંને વાતમાં એક વાત છે ઓળખનારના પક્ષે, એક વાત છે જેને ઓળખવું છે એના પક્ષની. જે રીતે ઓળખવું છે, કઈ રીતે ઓળખવું છે એ વાત ઓળખનારના પક્ષે જાય છે. જેને ઓળખવા છે એ વાત જ્ઞાનીના પક્ષે જાય છે. મુમુક્ષુએ કઈ રીતે ઓળખવા ? બે પ્રશ્નમાં એક પ્રશ્ન મુમુક્ષુને લાગુ પડે છે, એક પ્રશ્ન પુરુષને લાગુ પડે છે. આટલો વિષય ચોખ્ખો છે.
જ્યાં મુમુક્ષુને લાગુ પડે છે ત્યાં એ વાત છે કે ઉત્કૃષ્ટ પાત્ર હોય તો જ ઓળખી શકે. સામાન્ય મુમુક્ષુ કે મધ્યમ કક્ષાના મુમુક્ષુ નહિ ઓળખી શકે. એટલે એ વાત અપેક્ષિત છે કે ઓળખનાર છે એ ઉત્તમ પાત્રતાવાળો જીવ છે. અને એ ઉત્તમ પાત્રતાવાળો જીવ કઈ રીતે ઓળખે છે એટલું જ વિચારવાનું છે.
સપુરુષમાં ઓળખવા માટે બાહ્ય સાધન શું? પુરુષને ઓળખવા માટેનું બાહ્ય સાધન શું ? કે જે સાધન દ્વારા એનું અંતરંગ સમજાય અથવા જ્ઞાનીનું જ્ઞાનીપણું સમજાય કે ઓળખાય. એટલું વિચારતા ત્રણ મુદ્દા એની અંદર સ્પષ્ટ થાય છે. એક તો વાણી દ્વારા એમના ભાવોને સમજી શકાય. વાણી વિના, વાણી દ્વારા જ એમના ભાવોને સમજી શકાય, વાણી વિના એમના ભાવોને સમજી ન શકાય. કોઈપણ જીવના પરિણામને ઓળખવા હોય, પરિણામને સમજવા હોય, એના અભિપ્રાયને સમજવો હોય, એના શ્રદ્ધા-જ્ઞાનને પકડવું હોય તો એની વાણી સિવાય બીજો કોઈ સીધો ઉપાય નથી. વાણી દ્વારા એ ભાવો સમજવામાં આવે અને
એ વાણીથી કાંઈક વિશ્વાસ આવે કે આ અનુભવીપુરુષ છે. તો પછી એની મુદ્રા એ પણ વિશેષ સમજાય છે. પણ એ વિષય તો ત્યારબાદનો છે. સીધો કોઈને આ મુદ્રા ઉપરથી આ જ્ઞાની છે એમ બીજા જ્ઞાનીને પણ ખ્યાલ ન આવી શકે. મુમુક્ષને તો આવવાનો પ્રશ્ન નથી પણ બીજા જ્ઞાનીને પણ ન આવી શકે કે કોઈનો ચહેરો જોઈને, મુદ્રા જોઈને, મુખાકૃતિ જોઈને એ જ્ઞાની છે એમ કહી શકાય. એ તો જ્ઞાની પણ ન કહી શકે.
બીજુંએમના નેત્રોથી પણ જ્ઞાની ઓળખાય છે. પણ એ પણ ત્યારપછીની વાત છે કે જ્યારે વાણી વડે એમના ભાવો સમજાયા હોય, ઓળખાયા હોય તો એમના નેત્રોથી એમને ઓળખી શકાય. એટલે એ તો એથી વધારે સૂક્ષ્મ વિષય છે. વાણી કરતા મુખમુદ્રાનો વિષય સૂક્ષ્મ છે અને નેત્રનો વિષય તો એથી પણ સૂક્ષ્મ છે. એ બંને વાત ત્યારપછીમાં જાય છે. બે કલાક ગઈ કાલે અને પરમદિવસે આ વિષય તો ચાલી ગયો છે. તમે આવ્યા એટલે થોડોક ફરીને લઈએ છીએ.