________________
૪૬૦
રાજહૃદય ભાગ-૧૩
એટલે મુખ્ય ચર્ચા એમની વાણી વિષયક (છે). વાણી અને ચેષ્ટાથી, વાણી સાથે વાણી ઉચ્ચારણ કરતી વખતેની જે ચેષ્ટા છે, એ ચેષ્ટાથી એમના ભાવોને ઓળખી શકાય છે. એ મુખ્ય વાત છે. મુખમુદ્રામાં જે ઉપશમભાવ છે, નેત્રની અંદર પણ જે ઉપશમભાવ છે એ તો ઉપશમભાવનો વિષય છે. અને એ વાણીથી પ્રતીત થયેલો ઉપશમભાવ હોય તો ગ્રહણ કરી શકાય છે. સીધો ખ્યાલમાં આવે છે. નહિતર એ સીધો ખ્યાલમાં આવતો નથી. અથવા એવો શાંત ઉદાસીનભાવ તો અન્યમતિની મુદ્રામાં પણ હોઈ શકે છે. એથી પણ કાંઈ સીધું અનુમાન કરવાનો એ વિષય નથી. એટલે મુખ્ય વાત કહી છે એમના ભાવની. અને ભાવને પકડવા માટેનું એક જ સાધન મુખ્ય છે એ વાણી છે અને વાણી વખતની ચેષ્ટા છે. એ પ્રત્યક્ષ હોય તો. પરોક્ષ હોય તો ચેષ્ટાનું સાધન ઉપલબ્ધ નથી, માત્ર વાણીનું સાધન જ ઉપલબ્ધ છે. પણ એ સાધન એક એવું છે કે જ્ઞાની વિદ્યમાન હોય કે જ્ઞાની અવિદ્યમાન હોય, જ્ઞાનીને ઓળખી શકાય છે. એ સંબંધમાં આપણે જે કાંઈ વિસ્તારથી વિષય ચાલ્યો એના કેટલાક મુદ્દાઓ એ છે.
પ્રથમ તો એમનું જે દેહાદિથી અને સંયોગાદિથી જે ભિન્ન ચૈતન્યપણું છે. આત્મામાં જે આત્મપણું છે અને આત્મા સિવાય દેહાદિ સંયોગોમાં જે ભિન્નપણું છે એ એમની વાણીની અંદર જે રીતે આવે છે એ રીતે સામાન્ય વિદ્વાન અને પંડિતની વાણીમાં આવતું નથી. જોકે પહેલો પ્રશ્ન આપણે એ લઈએ કે કઈ રીતે ઓળખે છે. પછી લક્ષણનો વિષય જરા વિસ્તારવાળો છે.
કઈ રીતે ઓળખે છે ? કે જેણે એવો દૃષ્ટિકોણ અપનાવ્યો હોય. ઉત્કૃષ્ટ પાત્ર મુમુક્ષુએ એવો દૃષ્ટિકોણ અપનાવ્યો હોય કે ફક્ત મારે જ્ઞાનીનું જ્ઞાનીપણું શું છે એટલું જ નક્કી કરવું છે, એટલો જ નિશ્ચય કરવો છે, એટલું જ ઓળખવું છે. આ સિવાય મારે કાંઈ જોતું નથી. એટલે કે સંયોગાશ્રિત શરીરથી માંડીને જેટલા કોઈ પરિગ્રહાદિ અને પ્રવૃત્તિના પ્રકારો છે એ બધું જોવાની આંખ એક વાર સાવ બંધ કરી દઈને, સર્વથા બંધ કરી દઈને ઓળખવાની તીવ્રતાથી માત્ર જ્ઞાનીનું જ્ઞાનીપણું જ ઓળખવું છે એવો દૃષ્ટિકોણ સાધ્ય કર્યો હોય, સાધ્ય થયો હોય તો જ એ વિષય ઉપ૨ ઓળખવાનો ઉપયોગ યથાર્થ પ્રકારે કામ કરે. નહિતર બીજી કોઈ રીતે ઓળખાય જાય એવું મુમુક્ષુની ભૂમિકામાં બનવું કઠણ છે.
જ્ઞાનીને તો સહજ સ્વભાવે પોતે ભાનસહિત વર્તતા હોવાથી કોઈ એક વાણીના એવા ચિહ્નથી, પ્રકારથી બીજી બધી વાત પકડી લે. એક વાત ઉપરથી અનેક વાત પકડી લે. કેમકે એ વિષયના પોતે અનુભવી છે. મુમુક્ષુજીવ એ વિષયનો હજી અનુભવી નથી. છતાં પણ એની પાત્રતા ઓળખવાને માટે ક્ષમતા ધરાવે છે.