________________
રાજહૃદય ભાગ-૧૩
૪૪૪
શકતો નથી.
જે કોઈ મુમુક્ષુ ઉત્કૃષ્ટ પાત્રતામાં આવીને એટલે હદ સુધી જિજ્ઞાસુ છે. કેટલે હદ સુધી ? કે અહીં સુધી તો એને પણ ખબર છે કે જ્ઞાન અંતર્મુખ થાય ત્યારે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પરિણમનથી આત્માનું આરાધન થાય, સાધના થાય. પણ કેમ અંતર્મુખ થવું એ વાત જે શોધે છે અને એ વાતનો પ્રકાશ જેની વાણીમાં પડે છે એને અનુસંધાન થાય છે કે જે રહસ્ય હતું, જે નહોતું સમજાતું, જે લક્ષ ઉપર નહોતું આવતું એ વાત હવે અહીંથી ખ્યાલમાં આવે છે. અને જ્ઞાનીની વાણીમાં એ પરિણમન એમને સાક્ષાત્ હોવાથી એ વિધિનું રહસ્ય બરાબર ઠામ ઠામ આવે છે. પણ એ એવો સૂક્ષ્મ વિષય છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષય છે, કે એને જોવા માટે તત્પર થયો હોય એને જ દેખાય છે. બીજા ઉપરથી જાય છે. એ જ વખતે એ જ વાણી સાંભળનારા બીજા પણ હોય છે. ધર્મસભામાં તો અનેક માણસો હોઈ શકે. પણ જે એટલે હદ સુધી ઉત્કૃષ્ટ પાત્રતામાં આવીને જિજ્ઞાસામાં આવ્યો નથી એને ઉ૫૨થી જાય છે અને પેલાને બરાબર પકડાય છે. આ વાત ક્યાંય મેં સાંભળી નથી. આ અપૂર્વ પદાર્થને અપૂર્વ ભાવે, અપૂર્વ વાણીથી કહે છે. પોતાને પણ અંદરમાં અપૂર્વતા ભાસે છે.
એમ અનાદિની મૂંઝવણનો ઉકેલ માર્ગપ્રાપ્તિનો જે છે એ માર્ગપ્રાપ્તિનો ઉકેલ જ્યારે મળી જાય છે ત્યારે આ જ્ઞાની છે એવી પ્રતીત આવે છે. કેમકે એ વિષય અનુભવ વિના વ્યક્ત થઈ શકતો નથી, કહી શકાતો નથી, એની નકલ થઈ શકતી નથી. બીજી બધી વાતો શીખી શકાય છે. આ સાંભળીને શીખવાનો વિષય નથી. આ અનુભવીને શીખવાનો વિષય છે. એટલે એવી અનુભવની Line માં પ્રવેશ થયા વિના એ વાત ન આવે એવી ત્યાં પ્રતીત આવે છે. તેથી જ્ઞાનીના અનુભવીપણાની પ્રતીત આવે છે.
બીજું, જે આત્મપદાર્થની ભાનસહિત વાત કરે છે અને જે ભાનરહિત વાત કરે છે, અંધારામાં ઊભો છે, આત્મા કેવો છે એ ખરેખર ખબર નથી. કેટલાક શબ્દોના અર્થોથી, ભાવાર્થોથી જીવે એ વાતની કલ્પના કરી હોય છે પણ સાક્ષાત્ પદાર્થ તો અનંત પ્રત્યક્ષસ્વરૂપ છે અને અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા તે પ્રત્યક્ષતા વિષય થાય છે. એટલે એ પ્રકારનો જે ધ્વનિ છે એવો આંતરધ્વનિ જ્ઞાનીની વાણીમાં આવે છે, બીજાની વાણીમાં આવી શકતો નથી.
વળી આત્મા જ્ઞાનમાં જ્ઞાનીને જણાય છે એટલું જ નથી પણ આ પરમોત્કૃષ્ટ