________________
૩૭૨
રાજહૃદય ભાગ-૧૧
તા. ૨૪-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯, ૬૮૦ પ્રવચન નં. ૩૦૮
પત્ર-૬ ૭૯. પાનું-૪૯૮. કેવળજ્ઞાનનો વિષય ચાલે છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ સંબંધમાં ‘સોભાગ્યભાઈ’એ કોઈ પ્રશ્ન પૂછ્યો છે એનો ઉત્તર ચાલે છે. કોઈ કેવળકોટી એવા શબ્દથી એનું અર્ધઘટન અથવા એનું સ્વરૂપ વિચારવામાં આવે છે તે યોગ્ય નથી. કેવળકોટીમાં અનંત કાળનું ભૂત-ભવિષ્યનું જ્ઞાન ન થાય એવી માન્યતા છે. એ માન્યતા કરવી ઘટતી નથી. એવી માન્યતા કેવળજ્ઞાનના સંબંધમાં નહિ હોવી જોઈએ. કેમકે રાગ-દ્વેષ-મોહનો સંપૂર્ણ અભાવ થઈને વિશુદ્ધ ચારિત્ર થાય ત્યારે જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ થઈને, નિર્મળ થઈને લોકાલોકને જાણે એવું જ્ઞાનનું શુદ્ધ પરિણમન થાય છે. તેમ છતાં એ વિષયમાં કેટલાક શાસ્ત્રવેત્તાઓ કેવળજ્ઞાનનો જે કાંઈ બોધ કરે છે એ યથાર્થ નથી કરતા. કેમકે એમાં એટલું જ પ્રતિપાદન આવે છે કે માત્ર ભૂત-ભવિષ્યનું જાણવું એનું નામ કેવળજ્ઞાન છે. પણ એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. આઠમી લીટીથી લગભગ એ વિષય ચાલુ થાય છે. ૪૯૮ પાને.
જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને 'કેવળજ્ઞાન' જ્ઞાનીપુરુષોએ કહ્યું છે... જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું, લોકાલોકને જાણવું એવું મુખ્યપણે કહેવું નથી. જોકે કેવળજ્ઞાન લોકાલોકને નથી જાણતું એમ પણ અહીંયાં પ્રતિપાદન કરવું નથી. પણ મુખ્યપણે શાસ્ત્રકારને એવું કહેવું નથી. તો મુખ્યપણે શું કહેવું છે ? કે જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે.’ જે અત્યંત શુદ્ધ થવું કહ્યું છે તો અત્યંત શુદ્ધ કેવી રીતે થાય છે ? કે મુખ્ય તો આત્મસ્થિતિ-આત્મામાં સંપૂર્ણ સ્થિરતા થાય છે અને આત્મામાં સમાધિભાવ થાય છે, સંપૂર્ણ સમાધિદશા થાય છે એને કેવળજ્ઞાન જ્ઞાનીપુરુષોએ કહ્યું છે.
જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે,' એ પણ કહ્યું છે કે જગતનું જ્ઞાન થાય છે, લોકાલોકનું, ત્રણ કાળનું જ્ઞાન થાય છે પણ તે અપૂર્વ વિષયનું ગ્રહણ